વિસનગરના સંત ગુલાબનાથ બાપુનું મુંબઈમાં નિધન થયું
ભાસ્કરન્યૂઝ| વિસનગર
વિસનગરનાકડા દરવાજા વિસ્તારમાં રામદેવપીર આશ્રમના મહંત ગુલાબનાથ બાપુનું મંગળવારે મુંબઇ ખાતેના આશ્રમ ખાતે નિધન થતાં તેમના પાર્થિવ દેહને સમાધી માટે વિસનગર આશ્રમ ખાતે લેવાયો હતો. બુધવારના રોજ સવારે અંતિમયાત્રા બાદ સમાધી અપાશે.
વડગામ તાલુકાના પસવાદર ગામમાં 30 જાન્યુઆરી 1931ના રોજ જન્મેલ ગુલાબનાથ બાપુને આઠ વર્ષની ઉંમરે ભક્તિનો વૈરાગ્ય લાગતાં તેમણે સાધુ વેશ ધારણ કર્યો હતો ત્યારબાદ વિસનગર આવી શહેરના કડા દરવાજા વિસ્તારમાં આવેલ રામદેવપીર આશ્રમના મહંત ગુરૂશ્રી બાલકનાથજી બાપુના નેજા હેઠળ આધ્યાત્મિક જ્ઞાન મેળવી નાથ સંપ્રદાયનો ભેખ ધારણ કરી તેમણે આખુ જીવન લોકહિત માટે વિતાવ્યું. જે દરમિયાન તેમણે સોલૈયા તેમજ મુંબઇ ખાતે આશ્રમ બનાવ્યા હતા. મંગળવારના રોજ મુંબઇ ખાતેના આશ્રમમાં તેમનું નિધન થયું હતું.