ખેરાલુ પાલિકામાં ખેડૂત અને ખેડબ્રદ્મામાં એમબીએ મહિલા પ્રમુખ
તાજેતરમાં ઉત્તર ગુજરાતની 12 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ સોમવારે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 12 પૈકી 8 નગરપાલિકામાં મહિલારાજ આવ્યું છે. તો 4 પાલિકામાં સત્તાનું સુકાન પુરુષોના હાથમાં સોંપાયું છે. 12માંથી 9 પાલિકામાં ભાજપ અને 3 પાલિકામાં કોંગ્રેસ વહીવટ સંભાળશે. રસપ્રદ બાબત તો એ છે કે, પાલિકાના પ્રથમ અઢી વર્ષ માટે જે મહિલાઓના હાથમાં સત્તાની બાગડોળ સોંપવામાં આવી છે. તેમાં મહેસાણાની ખેરાલુ નગરપાલિકાનાં પ્રમુખ ખેતીકામ અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તો સાબરકાંઠાની ખેડબ્રહ્મા પાલિકાનાં પ્રમુખ એમબીએ, જ્યારે પ્રાંતિજ પાલિકાનાં પ્રમુખ કાયદાનાં નિષ્ણાંત છે. જ્યારે ઇડર પાલિકામાં પ્રમુખ પીએચડી થયેલાં છે.
મહેસાણા જિલ્લામાં ખેરાલુ નગરપાલિકાના પ્રમુખપદે ભાજપનાં હીરાબેન ભગુભાઇ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શુકલા હેમંતભાઇ મહેન્દ્રભાઇની વરણી કરાઇ છે. હીરાબેન ખેતીકામ તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે. વિજાપુર પાલિકામાં પ્રમુખ તરીકે ભાજપનાં પટેલ સૂર્યાબેન રમેશભાઇની વરણી કરાઇ છે. જેઓ ધોરણ-12 સુધી ભણેલાં છે અને ગૃહિણી છે. જ્યારે વડનગર પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના ઘેમરજી ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન કાળીદાસ પટેલની સર્વાનુમતે પસંદગી કરાઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ પડ્યા બાદ પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી કોંગ્રેસના 5 સદસ્યો ગેરહાજર રહેતાં ભાજપનાં 24 વર્ષિય ઝલકબેન મિલનકુમાર પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં. તેમણે અમદાવાદની જી.એલ.એસ. કોલેજમાં એમબીએ કર્યા બાદ કોટક મહિન્દ્રા બેંકમાં જોબ કરતાં હતાં. ચૂંટાયા બાદ રાજીનામું આપી દીધું છે. તો ઇડર નગરપાલિકામાં ભાજપનાં 45 વર્ષિય જશવંતકુમારી વાઘેલાની પ્રમુખ તરીકે વરણી કરાઇ છે. તેઓ એમએ એમએડ, પીએચડી થયેલાં છે અને સી.કે. ગર્લ્સ હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ છે. જ્યારે પ્રાંતિજ પાલિકાના પ્રમુખ તરીકે ભાજપનાં પટેલ ગીતાબેન સંજયકુમારની વરણી કરાઇ છે. તેમણે બીએ એલએલબી સુધી અભ્યાસ કરેલો છે. મહિલા સંગઠનના ઉપપ્રમુખ છે અને બેટી બચાવો બેટી પઢાવો ઝુંબેશ ચલાવી રહ્યા છે. ઉપપ્રમુખ પદે નયનભાઇ ભરતભાઇ દેસાઇની પસંદગી કરાઇ છે. તલોદ પાલિકામાં પ્રમુખ તરીકે કોંગ્રેસના નરેન્દ્રસિંહ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે તેજુસિંહ ઝાલાની નિમણૂંક કરાઇ હતી.
પાટણ જિલ્લામાં હારિજ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપનાં ઠક્કર લલિતાબેન ફરશુરામ અને ઉપપ્રમુખ તરીકે ચૌહાણ નવલસંગ ચતરસંગની વરણી કરાઇ છે. પ્રમુખ લલિતાબેન જલિયાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને એલએફટી ઈંગ્લિશ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર છે. ચાણસ્મા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપનાં ભગવતીબેન નવીનભાઇ પટેલ અને ઉપપ્રમુખ પદે પટેલ સુનિલકુમાર કાન્તીલાલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ભગવતીબેન ગૃહિણી છે. જ્યારે રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પદે કોંગ્રેસનાં કમુબેન ભુરાભાઇ ઠાકોર અને ઉપપ્રમુખ પદે મંજુલાબેન રમેશભાઈ ગોકલાણી 16 વિરુદ્ધ 12 મતે ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપમાંથી પ્રમુખ તરીકે વર્ષાબેન ભુપેન્દ્રભાઈ આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પંચાલે ઉમેદવારી નોંધાવી હતી. કમુબેન ઠાકોર પણ ગૃહિણી છે.
બનાસકાંઠા જિલ્લામાં થરાદ નગરપાલિકામાં ભાજપના લવજીભાઈ વાણિયા પ્રમુખપદે અને ઉપપ્રમુખ પદે અપક્ષના ચોથાભાઈ રબારી ચૂંટાઇ આવ્યા છે. પાલિકાની 28માંથી 12 બેઠકો ભાજપને, 8 બેઠકો કોંગ્રેસને તેમજ 8 બેઠકો અપક્ષોને ફાળે ગઇ હતી. જેમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં 5 અપક્ષોએ ભાજપને સાથ આપ્યો હતો. જ્યારે ધાનેરા નગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની 10 તથા કોંગ્રેસની 18 બેઠકો આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના બળવંતભાઇ બારોટ તથા ઉપપ્રમુખ તરીકે વસંતીબેન ગલચર 8 વિરુદ્ધ 10 મતે વિજેતા બન્યા હતા.