• Gujarati News
  • ચાલુ ટ્રેને ચડવા જતાં પડી ગયેલો યુવાન કપાઇ મર્યો

ચાલુ ટ્રેને ચડવા જતાં પડી ગયેલો યુવાન કપાઇ મર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથીજોધપુર જતી ટ્રેનમાંથી રવિવારે સવારે ઊંઝા રેલવે સ્ટેશને પાણી ભરવા ઉતરેલો યુવાન ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે પડી જતાં ટ્રેન નીચે આવી જવાથી તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. યુવાનની પત્ની સહિત પરિવારજનોના કલ્પાંતથી વાતાવરણમાં ગમગિની પ્રસરી હતી.

અમદાવાદના વટવા વિસ્તારમાં જીયા મસ્જિદ સામે અલમુસ્તુફાનગરમાં રહેતા સાજીદભાઈ ઉસ્માનભાઈ પટેલ (મુસલમાન, 30 વર્ષ) રવિવારે સવારે પત્ની, બાળકો તેમજ અન્ય સગા-સંબંધીઓ સાથે પાલી જવા નીકળ્યા હતા. તેઓ અમદાવાદ જોધપુર લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે સવારે 9-15 વાગ્યે ટ્રેન ઊંઝા રેલવે સ્ટેશને પહોંચતાં પાણી ભરવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા. જો કે, તેઓ પાણી ભરીને પરત ટ્રેનમાં બેસે તે પહેલાં ટ્રેન ઉપડતાં દોડીને ચાલુ ટ્રેનમાં બેસવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ પ્લેટફોર્મ નીચે પડી જતાં ટ્રેન નીચે આવી ગયા હતા અને બે હાથ તથા કમરના ભાગેથી કપાઈ જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ટ્રેન ઊભી રહેતાં નીચે ઉતરેલાં પરિવારજનોના કલ્પાંતથી હાજર સૌની આંખો ભરાઈ આવી હતી. બાબતે રેલવે પોલીસને જાણ કરાતાં હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ મૃતકની લાશનું ઊંઝા સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી અને અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.