Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દારૂ આપવા આવતો રાજસ્થાનનો ખેપીયો 624 બોટલ સાથે ઝડપાયો
થરાદપોલીસે બાતમીના આધારે રાજસ્થાન સરહદે આવેલા તાલુકાના વાંતડાઉ કરબુણના માર્ગેથી થરાદમાં દારૂની ડીલીવરી આપવા આવતા રાજસ્થાનના એક ખેપીયાને 624 બોટલ દારૂના જથ્થા સાથે રંગેહાથે ઝડપી લઇ જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ દારૂ મંગાવનાર સામે પણ ગુનો દાખલ કર્યો હતો.આ બનાવથી ચકચાર મચી હતી.
શનિવારની રાતે થરાદના પીઆઇ જે.જી. ચાવડાની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન એક નંબર વગરની અલ્ટો ગાડી વાંતડાઉથી કરબુણ તરફ પરપ્રાતિય દારૂ ભરી આવનાર હોવાની ખાનગી બાતમી મળતાં તેમણે પીએસઆઇ એસ.કે.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો પરબતભાઇ રાયમલભાઇ તથા વિહાભાઇ માલાભાઇ સાથે ઉપરોકત ગાડી પકડવા માટે કરબુણ ચાર રસ્તા નાકાબંધી કરી વૉચ ગોઠવી હતી.દરમ્યાન રાતે સાડા દસ વાગ્યાના સુમારે વાઘાસણ વાંતડાઉથી ઉપરોક્ત ગાડી આવતાં ગાડીના ચાલકે નાકાબંધી જોઇ ગાડી પાછી વાળતાં તેનો પીછો કરતા ખોડા પાસેથી પોલીસે ગાડી ઝડપી લીધી હતી.જેના ચાલક રાજસ્થાનના સાંચોરના જોરારામ જેઠારામ વણકરને અટકમાં લઇ પુછતાછ કરતાં તેણે દારૂ રાજસ્થાનના સાંચોરથી ભરીને થરાદ શહેરના સેદલાઇ વિસ્તારના યાસીનભાઇ મુસલમાનને ત્યાં આપવાનો હોવાનું જણાવ્યું હતું.પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાં 15 પેટીઓમાં રહેલા ૬૨૪ બોટલ કિંમત રૂપીયા 62400નો જથ્થો મળી આવ્યો હતો.હતો.પોલીસે 2.50 લાખની ગાડી તથા એક મોબાઇલ મળીને રૂપીયા 312900નો મુદ્દામાલ કબજે લઇ દારુ મંગાવનાર તથા લઇ આવનાર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.