• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

ઊંઝાતાલુકાના કંથરાવી ગામે શુક્રવારે બપોરે મકાનની બહાર સૂઇ રહેલા પિતા પર માનસિક અસ્થિર પુત્રએ ધોકા વડે જીવલેણ હુમલો કરતાં તેમને ગંભીર હાલતમાં પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઊંઝા પોલીસે હુમલો કરનાર પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેને પગલે ગામમાં ચકચાર મચી હતી.

કંથરાવી ગામના અમૃતભાઇ અમથાભાઇ રાવળને બે સંતાનો પૈકી વિષ્ણુભાઇ (30) માનસિક રીતે અસ્થિર હોઇ ખૂબ પરેશાન રહેતા હતા. મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અમૃતભાઇ શુક્રવારે બપોરે 11-30 કલાકે તેમના કાચા મકાનની બહાર વરખડીના ઝાડ નીચે ખાટલો ઢાળીને સૂઇ ગયા હતા. તે સમયે અચાનક ધસી આવેલા વિષ્ણુએ તેમના હાથ અને પગ પર આડેધડ ધોકાનો માર માર્યો હતો. પુત્રના વધુ મારથી બચવા અમૃતભાઇએ બુમરાડ મચાવતાં ઘટના સ્થળે દોડી આવેલા તેમનાં પત્ની સંતોકબેન અને સ્થાનિક રહીશોએ દરમિયાનગીરી કરી ગંભીર હાલતમાં અમૃતભાઇને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમણે પોલીસ સમક્ષ તેમના પુત્રએ ધોકા વડે માર માર્યાનું નિવેદન આપ્યું હતું. હોસ્પિટલમાં ચાર કલાકની સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું.

ઘરની બહાર ખાટલામાં મીઠી નીંદર માણી રહેલા ઘરના મોભીની માનસિક બીમાર એવા પુત્રના હાથે હત્યાની ઘટના બાદ શોકાતૂર પરિવારજનો ધરે દોડી અાવ્યા હતા.

અસ્થિર મગજના પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું