• Gujarati News
  • રાધનપુરમાં 26 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો

રાધનપુરમાં 26 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનારૌદ્ર સ્વરૂપમાં રાધનપુર પણ ઝપેટે ચડ્યું હોય તેમ શહેરમાં 26 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેનાથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા તો કેટલાય વૃક્ષો પવનના જોરથી ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે વીજલઇનોને ગંભીર અસર પહોંચી હતી. થાંભલા અને વીજવાયરો તૂટી જવાથી 24 કલાકથી પણ વધુ સમય સુધી રહીશોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી.

રાધનપુરમાં એકધારા વરસી રહેલા વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વરસાદ કરતા પવનનું જોર વધારે હોવાથી વીજલાઇનોના થાંભલા કેટલાક તૂટી ગયા છે તો કેટલાંક ધરાશાયી થઈ ગયા છે તો વળી શહેરની પોસ્ટ ઓફિસ, બીએસએનએલ, જયહિંદ સહિતના વિસ્તારો વૃક્ષો ધરાશાયી થઈ જવાથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. વલ્લભનગર, અંબિકાનગર રોડ, ચામુંડાનગર સોસાયટી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તાલુકા નજીકના દેવ ગામે તળાવ ઊભરાઈ જવાથી 50થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. લાલબાગ સહિતના વિસ્તારોના કેટલાક મકાનોના પતરાં ભારે પવનના લીધે ઉડી જતા હાલાકી ઊભી થઈ હતી.