તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈવે પર ચક્કાજામ કરતાં અલ્પેશ ઠાકોર સહિત 70ની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | ગુજરાત સરકાર દ્વારા રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાને ગુરૂવારે સાજે છ વાગ્યા સુધી અછતગ્રસ્ત જાહેર ન કરાતા રાધનપુરમાં તેની માંગણી લઇ ધરણાં પર બેઠેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કાર્યકરોને હાકલ કરતાં ચક્કાજામ કરાતાં ફરજ પરની પોલીસ દ્વારા તેઓને અટકાયત કરી સમી લઇ જવાયા હતા. જ્યાં બે કલાક બાદ છોડી દેવાયા હતા. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે સરકારની માનવતા મરી પરવારી છે. પાણી વિના લોકો હિજરત કરી રહ્યા છે. ત્યારે સરકારના પેટનું પાણી હાલતુ નથી. નર્મદાના પાણી અમારા મત વિસ્તારમાંથી નીકળીને કચ્છમાં જઇ રહ્યા છે. જેને લોકો જોઇને લોકો નિસાસા નાખે છે પણ સરકાર પાણી આપતી નથી. સવારે ધરણાં શરુ થયાં પછી બે વખત સરકાર તરફથી આશ્વાસન આવ્યાની જાહેરાત થઇ હતી પણ છેવટે નિરાશ કરી દેતાં લડાયક માહોલ કરી દેવાયો હતો.

અછત ગ્રસ્ત જાહેર નહી કરાય ત્યાં સુધી ઉગ્ર કાર્યક્રમો આપવાની અને પશુને ટ્રેક્ટરોમાં ભરીને ગાંધીનગર લઇ જઇને ઉગ્ર દેખાવો કરવાની ચીમકી
ગુરૂવારે સરહદી વિસ્તારો અછતગ્રસ્ત જાહેર ન કરાતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકોને પોતાના ચપ્પલ પહેરી લેવા કહી લાઠી મળે તો ખાઇશુ ગોળી મળે તો ખાઇશુ પણ પાણી તો લઇશુ જ તેવો લલકાર કરતા ખેડૂતો ગ્રામજનો હાથમાં માટલા લઇને પ્રાંત કચેરીથી હાઇવે ચાર ઉપર ગયા હતા. જ્યાં વિનય વિદ્યાલયની સામે માટલા ફોડીને બેસી જઇને હાઇવે વાહનોથી ચક્કાજામ કર્યો હતો. જોકે મિનિટોમાં જ પોલીસે અટક કરીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત 70 જેટલા કાર્યકરોને સમી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જેમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવિનભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇ પરમાર, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબુબખાન મલેક, હરદાસભાઇ આહિર, ભરતભાઇ અાહિર,સુભાષભાઇ મકવાણા, ધારાસભ્યના પીએ હાર્દિકભાઇ ત્રિવેદી સહિતનો સમાવેશ થાય છે.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુર - સાંતલપુર અને સમી તાલુકાઓ અછત ગ્રસ્ત જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી ગુજરાત સરકાર વિરૂદ્ધ ઉગ્ર કાર્યક્રમો આપવાની અને ખેડૂતોના ઢોરોને ટ્રેકરોમાં ભરીને ગાંધીનગર લઇ જઇને ઉગ્ર દેખાવો કરવાની ચિમકી ઉચ્ચારી હતી. મને સંયમથી વિવેકથી માંગવાની આદત છે પણ મને એવુ લાગે છે મારા વિવેક અને સંયમને આ લોકો કમજોરી સમજે છે પણ આ એજ અલ્પેશ છે જેને ગાંધીનગરના પાયા હચમચાવી નાખતા આવડે છે. નર્મદા યોજનાની કેનાલો સાફ કરવાના નામે મોટા પાયે ભ્રષ્ટ્રાચાર ચાલી રસ્તો છે. સફાઇના નામે કરોડો રૂપિયા ચાઉ કરવા આવે છે. સફાઇ અને રીપેરીંગમાં બહુ મોટુ સ્કેમ ચાલે છે હવે પછી આ બાબતે વોચ રાખવી પડશે.

અલ્પેશ ઠાકોરને સમી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, બે કલાક બાદ છોડી દેવાયા

અન્ય સમાચારો પણ છે...