• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બનાસકાંઠા જિલ્લામાં શનિવાર બાદ રવિવારે પણ મહાકાલ સેના, કરણી

બનાસકાંઠા જિલ્લામાં શનિવાર બાદ રવિવારે પણ મહાકાલ સેના, કરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં શનિવાર બાદ રવિવારે પણ મહાકાલ સેના, કરણી સેના, બાવન આંટા રાજપૂત યુવક મંડળ, અને વિવિધ સંગઠનો દ્વારા ફિલ્મ પદ્માવતના વિરોધમાં વડગામથી ખેરાલુ હાઈવે, તેનીવાડા નજીક પાલનપુર અમદાવાદ હાઈવે, દાંતા નજીક પાલનપુર અંબાજી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. તો ડીસામાં પણ થિયેટર માલિકોને ફિલ્મ ન દર્શાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. મહેસાણા અને ગોઝારિયામાં બનાસકાંઠાની બે બસો સળગાવાઇ હતી. જેથી તકેદારીના ભાગરૂપે એસટીના 300 શિડ્યુલ બંધ કરાયા છે.જેમાં એસટીને 30 લાખની આવક ગુમાવવી પડી છે.

વડગામના મેગાળ નજીક ફિલ્મના વિરોધમાં હાઇવે બંધ કરાયો હતો. ત્યારે ઘટના સ્થળે આવેલા છાપી પીએસઆઇએ રિવોલ્વર કાઢવાની કોશિષ કરતા રાજપૂત સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ ત્યાં હાજર રાજપૂત સમાજના અગ્રણીઓએ યુવાનોને માંડમાંડ સમજાવી મામલો થાળે પાડ્યો હતો. થરાદમાં ટાયર સળગાવી રસ્તો બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરનારા 15 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ડીસાના રાજમંદિર, શ્રી રામ તથા ડિમ્પલ સિનેમાના સંચાલકોને લેખિત રજૂઆત કરી હતી. લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે ફિલ્મ પદ્માવતને આપના થિએટરમાં બતાવવી નહીં અન્યથા ઉગ્ર આંદોલન તથા દેખાવો કરવામાં આવશે. દાંતામાં ટાયરો સળગાવવામાં આવતાં દાંતા પોલીસ સ્ટાફે39 કાર્યકોરની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. પાંથાવાડામાં પણ કરણીસેના દ્વારા હાઇ-વે ચાર રસ્તા પર ટાયર સળગાવી ગુંદરી-ડીસા હાઇ-વે બ્લોક કરતા રાજસ્થાન તરફ જતા રસ્તા પરનો ટ્રાફિક ખોરવાયો હતો.જોકે પાંથાવાડા સેકન્ડ પી.એસ.આઈ. જે.ટી .મહેશ્વરી અને બોર્ડર પી.એસ.આઈ. બી.ડી.શાહ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક આવી પહોંચતા હાઇ-વે ખુલ્લો કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પાલનપુર એસટી બસ સ્ટેન્ડ રવિવારે બંધ રહેતા મુસાફરો અટવાયા હતા. પાલનપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે આગળથી આવતી બસ બસોને રોકી દેતાં મુસાફરો અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...