મોડાસાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતાં રોષ
મોડાસાનગરની સંખ્યાબંધ રહેણાંક સોસાયટી ઓમાં છેલ્લા ચાર દિવસના ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નગરની રત્નમ રેસીડેન્સી,વિદ્યાકુંજ સહિતની સોસાયટીના રહીશોએ જીલ્લા કલેકટરને. આવેદનપત્ર આપી સત્વરે ભરાયેલા પાણીનો નીકાલ કરવા અને રહેણાંક વિસ્તારની હાલાકી દૂર કરવા અનુરોધ કર્યો હતો.
જીલ્લા કલેકટરને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની ઋતુમાં નગરની રત્નમ રેસીડેન્સી,વિદ્યાકુંજ સોસાયટી, શુભલાભ ફલેટ સહિતના વિસ્તારોના માર્ગો ઉપર ભારે પાણી ભરાય છે. દર ચોમાસે પાલીકા તંત્ર દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે ચોમાસા પાણીના નીકાલ માટે યોજના હાથ ધરાય છે. છતાં જરૂરી કાળજી કે ટેકનિકલ સુઝબુઝના અભાવે સમસ્યા નો કાયમી ધોરણે નીકાલ કરી શકાતો નથી. રહેણાંક વિસ્તારોમાં ઢીંચણ સમા ભરાઇ રહેતા પાણીથી ઝેરી જનાવરો,મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. ચોમાસા ના ત્રણ માસ દરમ્યાન પડતી હાલાકીથી સંખ્યાબંધ પરીવારો પરેશાની ભોગવી રહયા છે. છેલ્લા કેટલાય વર્ષોની સમસ્યા કેટલાક બળીયા ઇસમોના હિતમાં નીકાલ નહી કરાતાં વૃધ્ધો, બાળકો અને બીમારી ભોગવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે પાલીકા તંત્રને યોગ્ય આદેશ કરવા આવેદનપત્રમાં અપીલ કરાઇ હતી.
મોડાસા નગરના રહીશો દ્વારા આવેદનપત્ર અપાયા બાદ જીલ્લા કલેકટરે અસરગ્રસ્ત રત્નમ,વિદ્યાકુંજ સોસાયટી વિસ્તારની મુલાકાત લીધી હતી. આવેદનપત્ર આપવા કલેકટર કચેરી પહોંચ્યા ત્યારે કવરેજ કરવા ગયેલા પત્રકારોને ચેમ્બરમાં નહી પ્રવેશવા કલેકટર દ્વારા આદેશ કરાતાં ભારે અચરજ ફેલાયું હતું.