• Gujarati News
  • તબીબ હાજર નહીં મળતાં ધનસુરાના ગામલોકોની દવાખાનાને તાળાંબંધી

તબીબ હાજર નહીં મળતાં ધનસુરાના ગામલોકોની દવાખાનાને તાળાંબંધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝેરી દવા પીધેલા યુવકને લઇ પહોંચ્યા ત્યારે કોઇ નહીં મળતાં આક્રોશ

ધનસુરાગામના એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પીતાં પરિવારજનો સહિત તેને લઇ મંગળવારે રાત્રે 8-30 વાગે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દોડી ગયા હતા. પરંતુ અહીં એકપણ તબીબ હાજર ના હોઇ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ સીએસસીના દરવાજાને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો હતો. જેને પગલે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.

ધનસુરા ગામના કેતુલ પટેલ નામના યુવાને અગમ્ય કારોણસર ઝેરી દવા પીધી હતી. જેને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હાલતમાં સંબંધીઓ મંગળવારે રાત્રે 8-30 વાગે ગામમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. પરંતુ અહીં મેડિકલ ઓફિસર કે સુપ્રિન્ટેન્ડેટ કોઇ હાજર ના હોઇ યુવકની સારવારનો પ્રશ્ન સર્જાયો હતો. બાદમાં યુવકને તાબડતોડ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી સારવાર પૂરી પડાઇ હતી. બીજીબાજુ આરોગ્ય વિભાગની લાલિયાવાડી વચ્ચે રણીધણી વગરના કેન્દ્રમાં ફરજ ઉપર કોઇ તબીબ હાજર હોઇ યુવકના સગાસંબંધીઓ અને ગ્રામજનોમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો અને જોતજોતામાં દવાખાને ભેગા થયેલા ટોળાએ રોષ વ્યક્ત કરી સીએચસીના દરવાજે તાળાબંધી કરી દીધી હતી.

સીએચસીના મેડિકલ સુપ્રી.મોડે મોડે ઘટનાની ગંભીરતા સમજી પોલીસ સ્ટેશને હાજર થયા હતા અને તેમની રજૂઆત બાદ ધનસુરા પોલીસે કેન્દ્ર ઉપર પહોંચી ગેટના તાળા ખોલાવ્યા હતા. ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

ત્રણ દી\\\'માં તબીબની બદલી થાય તો ફરી તાળાબંધી

ધનસુરા તાલુકાનાએકમાત્ર સરકારી દવાખાનામાં કથળેલી સેવાઓના વિરોધમાં ધનસુરા ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, કેન્દ્રમાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવી રહેલા ર્ડા. એસ.વી.પંડયાએ આજદીન સુધીમાં એકપણ ઓપરેશન કર્યુ નથી. કોઇની દવા કરતા નથી, કોઇ દર્દી આવે તો મોડાસા કે અમદાવાદ રીફર કરે છે. ર્ડાકટર વિરુદ્ધ વારંવાર આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરાઇ છે. જો દિન-ત્રણમાં તબીબની બદલી નહીં કરાય તો ફરીથી સીએચસીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. /તસ્વીર: હિતેશ પટેલ