• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • પ્રવેશોત્સવ બહુ થયા હવે બેરોજગારો માટે નોકરી ઉત્સવ કયારે ? CMને પત્ર

પ્રવેશોત્સવ બહુ થયા હવે બેરોજગારો માટે નોકરી ઉત્સવ કયારે ? CMને પત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરીકક્ષાના પ્રવેશોત્સવ દરમ્યાન રાજયના મુખ્યમંત્રી મોડાસા ખાતે આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને જિલ્લાના પ્રાથમિક શિક્ષણને લગતા મુદાઓ સહિત પ્રજાને પડતી હાલાકીનો ચિતાર દર્શાવતો પત્ર પાઠવ્યો છે. પત્રમાં પ્રવેશોત્સવની સાથે સાથે રાજયમાં નોકરીત્સવો ઉજવવા માંગ કરાઇ હતી.

અરવલ્લી જિલ્લા પંચાતની શિક્ષણ સમિતિના ચેરમેન શુભેન્દ્રસિંહ એસ.સિસોદીયાએ રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંબોધી લખેલ પત્રમાં જણાવ્યા મુજબ શુ રાજયભરના વાલીઓ પોતાના બાળકના અભ્યાસ પ્રત્યે ચીંતીત નથી તેઓ જાતે બાળકોને શાળા પ્રવેશ કરાવવા સક્ષમ નથી શા માટે આવા પ્રવેશોત્સવો પાછળ કરોડો રૂપિયા ખર્ચી પ્રજાના નાણાં વેડફાઇ રહ્યા છે. ચેરમેનના જણાવ્યા મુજબ દરેક વાલી તેના બાળકના ભવિષ્ય અંગે સતત ચીંતન કરે છે . પોતાનું બાળક ભણી ગણી સફળતા મેળવે તે દરેક વાલી ઇચ્છે છે અને તેઓ જાતે પોતાના બાળકને શાળાએ પ્રવેશ અપાવવા સક્ષમ પણ છે. સરકાર માત્ર કરોડો રૂપિયાના ખર્ચે પ્રવેશોત્સવના નામે તાયફા કરી રહી છે.

શિક્ષણ સમિતિના ચેરમેને પત્રમાં જણાવ્યા મુજબ હવે પ્રવેશોત્સવ બહુ થયા હવે જરૂર છે ભણેલાઓને નોકરી આપવા નોકરીત્સવો કરવાની. રાજયમાં ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓ રઝડી રહ્યા છે. ભરતીની રાહ જોતાં જોતાં વય મર્યાદા પણ વટાવી ગયા છે છતાં ભરતી કરાતી નથી. સરકારી કચેરીઓમાં મહત્વની જગાઓ ખાલી છે. અધીકારીઓ કે કર્મચારીઓની ભરતી થતી નથી કે નથી ખાલી જગાઓ ભરાતી અને અંતે પ્રજાના જરૂરી કામો રખડી પડયા છે. મહોત્સવો પાછળ રોકી રખાતા કર્મીઓથી માંડી અધિકારીઓના કારણે કચેરીઓ ખાલી પડી છે અને પ્રજાજનોને ધરમ ધકકા ખાવાનો વારો આવી રહ્યો છે. ચેરમેને સીએમ ને ઇ-મેલ કરી પાઠવેલ પત્રમાં આવા બીન જરૂરી કાર્યક્રમો ને બદલે શાળાઓમાં શિક્ષકોની જગાઓ પુરવા, રમત માટે મેદાન સહિત પાયાની ભૌતિક સુવિધાઓ પુરી કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...