વનવાસી પ્રજાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી પરંપરાગત બીજ પ્રથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
21મી સદીના ટેકનોલોજી અને વિકાસની હરણફાળ ભરી રહેલ યુગમાં પણ ટકી રહેલ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વનવાસી સમાજની આગવી અને ભાતીગળ સંસ્કૃતિની પરંપરાઓ અને પ્રથાઓ ધીમે ધીમે લુપ્ત થવા ભણી આગળ ધપી રહી છે. અનેકવિધ પ્રથાઓ પૈકી દર પાંચ વર્ષે બીજથી પૂનમ સુધી ઉજવાતી બીજ પ્રથાનું મહત્વ અહીંના વનવાસી સમાજ માટે અનેરૂ છે.

ખેડબ્રહ્મા, પોશીના, દાંતા તેમજ અમીરગઢ તાલુકાનો અંતરિયાળ ભાગ કે જે સાબરકાંઠા અને રાજસ્થાનની સરહદને અડીને આવેલ વનવાસી બહુલ વિસ્તાર છે. દરેક સમાજ ધર્મની આગવી સંસ્કૃતિ હોય છે તેવી રીતે અંતરિયાળ વિસ્તારની વનવાસી સમાજમાં દરેક તહેવાર અને ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ભાદરવા મહિનામાં બીજથી પૂનમ સુધી 5 થી 10વર્ષની ઉંમરના નાના બાળકોના ગુરૂ બનાવવાની આગવી રસમ અપનાવવામાં આવે છે.

દર પાંચ વર્ષે કરવામાં આવતી પ્રથામાં આખા ગામના બાળકોને એક ઘરમાં લાવી તૈયાર કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન તેમના ઘેર ખાસ બોલાવવામાં આવેલ સાધુ, મહારાજોની નિશ્રામાં લીંપણથી લીંપેલ સ્વચ્છ જગ્યામાં પાઠ અને મંત્રોચ્ચારની વિધિ સાથે સાધુ, મહારાજોના પગ કરી નૃત્ય કરવામાં આવે છે. ગામના બે આગેવાનોને કોટવાલ અને ભંડારીયાની જવાબદારી સોંપાય છે.

જયારે ભંડારીયાના શિરે સમસ્ત ગ્રામજનોને જમાડવાની જવાબદારી હોય છે. આખી રાત્રિ દરમિયાન નાચગાન કર્યા પછી બાળકોને રૂમમાં બંધ કરી મહારાજની નિશ્રામાં રાખવામાં આવેલ હોય છે તે બાળકો પૈકી જે બાળકની કાનમાં ફૂંક મારી આંખે પાટા બાંધેલ બાળક સાચી ઓળખ કરી બતાવે ત્યારથી તે મહારાજને તે બાળકના ગુરૂ ગણવામાં આવે છે. ગુરૂ શિષ્યનો સંબંધ પિતા-પુત્ર કે પિતા-પુત્રી સમાન હોય છે તેમ જણાવી વિક્રમસિંહ ચૌહાણ અને અતુલભાઇ પારઘીએ ઉમેર્યુ હતું કે અંતે ઘી-ગોળ અને ઘઉંના રોટલાનું ચૂરમુ બનાવી ભોજન લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...