• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ગંદા પાણીના શુદ્ધિકરણ માટે શહેરમાં બે પ્લાન્ટ ઊભા કરાશે

ગંદા પાણીના શુદ્ધિકરણ માટે શહેરમાં બે પ્લાન્ટ ઊભા કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેરમાં ત્રણ વર્ષથી હાથ ધરાયેલી ભૂગર્ભગટર યોજનાની કામગીરી અંતર્ગત ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે બે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. વર્ષ 2040માં શહેરની સંભવિત વસતી 3,22,697ને ધ્યાને રાખીને કુલ 41.64 એમએલડી (દૈનિક 4.16 કરોડ લિટર)ની ક્ષમતાના પ્લાન્ટ સવા વર્ષે તૈયાર થશે.

મહેસાણા શહેરના વિકસેલા કુલ 2211 હેક્ટર વિસ્તાર માટે જીયુડીસી દ્વારા વર્ષ 2012માં નવો ભૂગર્ભગટર લાઈન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. ભૂગર્ભલાઈનો, કુંડીઓ, પમ્પીંગ સ્ટેશનો વગેરે બનાવવાની કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં છે ત્યારે શહેરની ભૂગર્ભગટર લાઈનોમાંથી નિકળતા ગંદા પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે બે આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ જીયુડીસી દ્વારા બનાવાઈ રહ્યા છે. જેમાં શહેરની ગટરોના ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી તેને નદી કે તળાવમાં છોડવામાં આવશે તેમજ પાણી સિંચાઈના ઉપયોગમાં પણ લઈ શકાશે.

શોભાસણ રોડ પર શાલીમાર સોસાયટી પાછળ આશરે 15 હજાર ચોરસ મીટર જગ્યામાં 18.46 એમએલડી (મિલિયન લિટર પર ડે) ક્ષમતાનો પ્લાન્ટ તેમજ નાગલપુરની સીમમાં નીલકંઠ મહાદેવ મંદિર સામે તળાવની બાજુમાં 23.18 એમએલડીનો પ્લાન્ટ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. બંને પ્લાન્ટમાં બે-બે શુદ્ધિકરણ યુનિટ બનાવાશે. ...અનુસંધાનપાન-8

પ્લાન્ટપર એડમિન બિલ્ડીંગમાં કન્ટ્રોલરૂમ અને લેબોરેટરી પણ બનશે. વિવિધ સ્તરે પાણીની અશુદ્ધિઓની ચકાસણી પણ થશે.

ગંદા પાણી પર પાંચ સ્તરે પ્રોસેસ થશે

પ્લાન્ટમાં આવતું ગટરનું ગંદુ પાણી પ્રાયમરી ફિલ્ટરમાંથી પસાર થતાં તેમાંથી પ્લાસ્ટીકના કપ વગેરે મોટી અશુદ્ધિ દૂર થશે. ત્યાર બાદ પ્રાયમરી સીએફ ટેન્કમાં ફટકડી નાખી વલોવીને શુદ્ધિકરણ કરાયેલું પાણી એરેનેશન ટેન્કમાં જશે. અહીં નિર્ધારિત સમય સુધી શુદ્ધિકરણ કરાયા બાદ સેકન્ડરી સીએફ ટેન્કમાં તેનું શુદ્ધિકરણ કરાશે અને છેલ્લે પાણી ક્લોરિનેશન પ્લાન્ટમાં શુદ્ધ કરાશે. અહીંથી બહાર આવતું પાણી કેમિકલ સહિતની અશુદ્ધિઓ તેમજ દૂર્ગંધ રહીત હશે. જે પાઈપલાઈન દ્વારા તળાવ કે નદીમાં છોડાશે. સિંચાઈમાં પણ ઉપયોગમાં લઈ શકાશે.



નવા પ્લાન્ટની કામગીરી હાથ ધરાઈ

રગડામાંથી ખાતર બનશે

પાણીશુદ્ધ કરતાં નીકળતો રગડો ડાયઝેસ્ટરમાં જશે. જેમાંથી નીકળતો ગેસ ચીમની દ્વારા ઊંચે લઈ જઈ સળગાવી દેવાશે. વધુ ગેસ હોય તો તેનો વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગમાં પણ લઈ શકાશે. ડાયઝેસ્ટરમાંથી નીકળતા પદાર્થને ડ્રાઈંગ બેડ પર સૂકવવા મૂકાશે. જે સુકાઈ જાય ત્યારે ઉત્તમ પ્રકારનું સેન્દ્રીય ખાતર બનશે.

અન્ય સમાચારો પણ છે...