પુત્રવધુની મશ્કરી બાબતે ઠપકો આપતાં હુમલો કર્યો
શહેરનાડફેરના ડંગામાં રવિવારે સવારે પુત્રવધુની મશ્કરી બાબતે ઠપકો આપતાં ચાર શખ્સોએ છરી, લાકડી જેવાં હથિયારોથી હુમલો કરી તેણીના સાસુ-સસરા સહિત ત્રણને ઈજા પહોંચાડતાં સારવાર માટે ખસેડાયા હતા. બી ડિવિઝન પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના ડફેર ડંગામાં રહેતા સિન્ધી (ડફેર) નિમરાભાઈ જુસાભાઈ તથા તેમના પુત્ર જાકબભાઈ રવિવારે સવારે સુખાપરા પાસે રોડ પર ટ્રકનું કામ કરાવી રહ્યા હતા. દરમિયાન તેમના ઘરે પહોંચેલા વિસ્તારમાં રહેતા સિન્ધી (ડફેર) અબ્દુલભાઈ બચુભાઈ તથા ઈસ્માઈલભાઈ જુસાભાઈએ તેમની પુત્રવધુ જહીરાબેનને અપશબ્દો બોલી મશ્કરી કરતાં તેણી તેમની પાસે દોડી આવી હતી અને બાબતે જાણ કરી હતી. જેથી નિમરાભાઈ તથા જાકબભાઈએ ઘરે પહોંચી બંને શખ્સોને ઠપકો આપતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને છરી, લાકડી જેવા હથિયારોથી હુમલો કર્યો હતો તેમજ તેમનું ઉપરાણું લઈને આવેલા સિન્ધી મહંમદહુસેન બચુભાઈ તથા અલીમહંમદ બચુભાઈએ પણ માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં નિમરાભાઈનાં પત્ની સુખાબેનને બરડાના ભાગે છરી વાગવા સહિત ત્રણેયને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ઝપાઝપી દરમિયાન જહીરાબેનનો સોનાનો દોરો પડી ગયો હતો. બાબતે નિમરાભાઈએ ચારેય શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.