• Gujarati News
  • મોબાઈલ તથા રોકડની લૂંટ કરી ભાગેલા બે ડફેર ઝડપાયા

મોબાઈલ તથા રોકડની લૂંટ કરી ભાગેલા બે ડફેર ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના રાધનપુર સર્કલ નજીક જોગણી માતાના મંદિર સામે બુધવારે સવારે પાલનપુરના ઈકો ગાડીના ચાલકને છરી બતાવી મોબાઈલ તથા રોકડ લૂંટીને નાસેલા બે ડફેર પોલીસ તેમજ લોકોના હાથે ઝડપાઈ જતાં બી ડિવિઝન પોલીસમાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
પાલનપુરના જહાંગીરભાઈ કાસમભાઈ પલીજા (ફકીર મુસલમાન) પોતાની જીજે-૨૪-એ-૮૭૧૨ નંબરની ઈકો ગાડી લઈને બુધવારે સવારે મહેસાણા આવ્યા હતા. સવારે સાડા દસેક વાગ્યે મોઢેરા ચોકડીએ મુસાફરોને ઉતારી તેઓ રાધનપુર ચોકડીએ જઈ જોગણી માતાના મંદિર સામે સાઈડમાં ગાડી ઊભી રાખી પરબ ઉપર પાણી પીવા ગયા હતા. દરમિયાન તેઓ અહીં એકલા હોઈ તેમની પાસે આવેલા બે અજાણ્યા શખ્સોએ છરી બતાવી જે કંઈ હોય તે આપી દે તેમ કહેતાં ગભરાઈ ગયેલા જહાંગીરભાઈએ પોતાનો મોબાઈલ તથા રૂ.૩૫૦ની રોકડ રકમ આપી દીધી હતી. એક શખ્સે આ વસ્તુ લઈ લીધા બાદ સુલતાન દોડ કામ પૂરું થઈ ગયું કહીંને બંને રાધનપુર સર્કલ તરફ દોડયા હતા. દરમિયાન જહાંગીરભાઈએ બુમાબુમ કરતાં પકડો-પકડોની બુમો સાથે લોકો તેમની પાછળ દોડયા હતા જેમાં રાધનપુર સર્કલે નવી બનેલી પોલીસ ચોકીનો સ્ટાફ પણ જોડાતાં બંને શખ્સોને ઝડપી લેવાયા હતા. પોલીસે પૂછપરછ કરતાં તેમનું નામ લશ્કરીકૂવામાં રહેતા સિન્ધી ડફેર સુલતાન હસનભાઈ તથા સિન્ધી ડફેર અબ્દુલ અલ્લારખાં હોવાનું ખુલ્યું હતું. આ બાબતે જહાંગીરભાઈની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે બંને શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરી પીએસઆઈ કે.એચ.ત્રિવેદીએ વધુ તપાસ હાથ ધરી છે.