• Gujarati News
  • મેઘરજના ડામોર ઢુંઢામાં બે જૂથો વચ્ચે ધિંગાણું : 1નું મોત, 18 ઘાયલ

મેઘરજના ડામોર ઢુંઢામાં બે જૂથો વચ્ચે ધિંગાણું : 1નું મોત, 18 ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજતાલુકાના ડામોર ઢુંઢા ગામે સગીરાના શંકાસ્પદ મોત પ્રકરણમાં મંગળવારે સવારે ડામોર કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી. જેમાં ટોળાએ સામસામે હુમલો કરી મકાનોમાં તોડફોડ અને આગચંપી કરી હતી. જેને લઇ ગામમાં તંગદિલી છવાઇ ગઇ હતી. જ્યારે અથડામણમાં 19 વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી મોહનભાઇ નાનાભાઇ ડામોર (46)નું સારવાર માટે અમદાવાદ લઇ જવાતાં રસ્તામાં મોત થયું હતું. જયારે અન્ય ઘાયલોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના સંદર્ભે મેઘરજ પોલીસે બંને જૂથના કુલ 29 જણા સામે ગુનો નોંધી ગામમાં વધુ કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ડામોર ઢુંઢા ગામે 21 દિવસ પૂર્વે ગામની એક સગીરાની લાશ કૂવામાંથી મળી આવી હતી. મેઘરજ પોલીસે ઘટનામાં અકસ્માતે મોત નોંધી બીડુંવાળી લેતાં મૃતકના પિતા લક્ષ્મણભાઇ ડામોરે પોતાની દીકરીના શંકાસ્પદ મોત અંગે શકમંદોના નામ સાથે સ્થાનિક પોલીસથી લઇ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ નહી ધરાતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. દરમિયાન મંગળવારે સવારે મૃતક સગીરાના પિતા અને જેમની સામે સગીરાની હત્યાની શંકા વ્યક્ત કરાઇ હતી તે જૂથના લોકો વચ્ચે બોલાચાલી થતાં મામલો બીચકયો હતો અને જોતજોતામાં બંને જૂથના લોકો લાકડી, કુહાડી જેવા હથિયારો લઇ સામે સામે પ્રહારો કરી એકબીજાના ઘરોમાં તોડફોડ મચાવી આગ ચાંપી દેતાં તંગદિલી છવાઇ ગઇ હતી.

હિંસક અથડામણમાં માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલા મોહનભાઇ નાનાભાઇ ડામોર (46)ને અમદાવાદ સારવાર અર્થે લઇ જવાતાં માર્ગમાં મોત નીપજ્યું હતું. જયારે અન્ય 17 ઘાયલોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. અહીં ડીવાયએસપી કે.એફ.બરોલીયા, એસઓજી પીઆઇ કે.વી.સગર સહિતની ટીમે ઘાયલોના નિવેદનો લઇ મેઘરજ પોલીસ સ્ટેશને બંને જૂથોની સામ સામે ફરિયાદ આધારે 29 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

{બંને પક્ષના 29 જણા સામે ફરિયાદ નોંધાઇ

{ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો