તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કાશ્મીરી યુવકોના બે ચહેરા | ફૈસલશાહ જેવા યુવકોએ કડીરૂપ ભૂમિકા ભજવવી જોઇએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરી યુવકોના બે ચહેરા | ફૈસલશાહ જેવા યુવકોએ કડીરૂપ ભૂમિકા ભજવવી જોઇએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IAS ફૈસલ શાહ વિરુદ્ધ આતંકવાદી બુરહાન વાની

રક્ષા દળો દ્વારા રીઢા આતંકવાદી બુરહાન વાનીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે દિવસોમાં ઝી ન્યૂઝ ચેનલ દ્વારા કાશ્મીરી યુવાનોના બે ચહેરા સતત દેખાડવામાં આવતા હતા. એક ચહેરો બુરહાન વાનીનો હતો, જે પોલિસ દ્વારા તેના થયેલા તથાકથિત અપમાનનો બદલો લેવા ત્રાસવાદી બન્યો હતો. બીજો ચહેરો જમ્મુ-કાશ્મીર સરકારના સ્કૂલ એડ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ફૈસલ શાહનો હતો, જેમણે ઇ.સ.૨૦૦૯માં આઇએએસની પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરીને ગુમરાહ બનેલા કાશ્મીરી યુવાનોને નવો રાહ બતાવ્યો હતો. આજથી ૧૪ વર્ષ પહેલાં ફૈસલના પિતા ગુલામ રસૂલ શાહ ત્રાસવાદીઓની ગોળીનો શિકાર બન્યા હતા, કારણ કે તેમણે તેમને આશરો આપવાનો ઇનકાર કર્યો હતો. ફૈસલે બીજા કાશ્મીરી યુવાનોની જેમ બંદૂક ઉપાડવાને બદલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેણે યુપીએસસીની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી હતી. ઝી ન્યૂઝ ચેનલના એન્કર બુરહાન વાનીના ચહેરા સાથે સતત ફૈસલ શાહનો ચહેરો બતાડીને કાશ્મીરી યુવાનોને પ્રશ્ન પૂછી રહ્યા હતા કે તમારે ક્યો રસ્તો અખત્યાર કરવો છે? સમાચાર જોઇને ફૈસલ શાહ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે ભારતીય મીડિયાને બેજવાબદાર ગણાવતો લેખ એક અંગ્રેજી અખબારમાં લખ્યો હતો. લેખમાં કાશ્મીરના શિક્ષિત યુવાનો ભારત સરકાર અને ભારતના ઇલેક્ટ્રોનિક મીડિયા બાબતમાં શું વિચારે છે? તેનું પ્રતિબિંબ પડે છે, માટે તેની વિગતવાર છણાવટ કરવી જરૂરી બની રહે છે.

ફૈસલ શાહ પોતાના લેખમાં તા.૧૩ જુલાઇની શ્રીનગરની બપોરની વાત કરે છે, જ્યારે તેમની બાજુની ગલ્લીમાં સવારથી આઝાદીના નારાઓ વચ્ચે અશ્રુવાયુના ટેટાનો ઘોંઘાટ ભળી ગયો હતો, જેને કારણે તેમનો એક વર્ષનો દીકરો ઉંઘી શકતો નહોતો. ફૈસલ શાહ ૩૦ વર્ષ પહેલાની પોતાની જિંદગીની વાત કરે છે, જ્યારે તેમના ઘરના પાછળના ભાગની ટેકરીમાં દારૂગોળાના અવાજો સંભળાઇ રહ્યા હતા અને તેમના પિતા તેમને સૂવડાવવાની કોશિષ કરી રહ્યા હતા. ફૈસલ શાહ બહુ સૂચકપણે કહે છે કે કાશ્મીર ખીણમાં જન્મ લેતાં બાળકને ઇસ્લામમાં પ્રવેશ કરાવવામાં આવે તે પહેલાં તેને કાશ્મીરની અશાંતિનો સાક્ષાત્કાર થઇ ચૂક્યો હોય છે. દરમિયાન ફૈસલ શાહ પર કોઇનો ફોન આવ્યો કે ઝી ન્યૂઝ પર તેમના ફોટા આતંકવાદી બુરહાન વાની સાથે સરખામણી કરવા માટે દર્શાવાઇ રહ્યા છે.

ટીવીની ચેનલ દ્વારા કાશ્મીરી યુવકો સમક્ષ ફૈસલ શાહને બુરહાન વાનીના વિકલ્પ તરીકે દર્શાવવામાં આવ્યા તેનાથી તેઓ એટલા વ્યથિત થઇ ગયા હતા કે તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની પણ ધમકી આપી હતી. તેમણે આજ તક, ઝી ન્યૂઝ, ટાઇમ્સ નાઉ અને ન્યૂઝ એક્સ ચેનલોનું નામ આપીને કહ્યું હતું કે તેમના દ્વારા જૂઠાણાંઓ ફેલાવાઇ રહ્યાં છે, કાશ્મીરની પ્રજામાં ભાગલા પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, પ્રજામાં નફરત પેદા કરાવાઇ રહી છે અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનો અનાદર થઇ રહ્યો છે. તેમણે ચાર ચેનલો પર આક્ષેપ કર્યો હતો કે તેમના પ્રાઇમ ટાઇમ કવરેજનો દરેક કલાક કાશ્મીરને ભારતથી પશ્ચિમમાં એક માઇલ દૂર ધકેલી રહ્યો છે.

ફૈસલ શાહની વાત પરથી એટલું ફલિત થાય છે કે જે ચેનલોને તેઓ કાશ્મીરવિરોધી જણાવી રહ્યા છે તેમનો ઉદ્દેશ હકીકતમાં ફૈસલને કાશ્મીરના યુવાનો માટેના રોલમોડેલ બતાડીને હાથમાં બંદૂક ઉપાડતા ગુમરાહ યુવાનોને સાચો રાહ દેખાડવાનો હતો. ઇ.સ.૨૦૦૯માં ફૈસલે જ્યારે આઇએએસની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું ત્યારે ટીવીની ચેનલોએ તેની સિદ્ધિને બિરદાવી હતી. તેનું કારણ છે કે ભારતના યુવાનોને પણ ફૈસલમાં હીરોના દર્શન થાય છે, જેણે પિતાની હત્યાથી પણ વિચલિત થયા વિના પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે આકરો પુરૂષાર્થ કર્યો હતો. મીડિયામાં કથા વારંવાર કહેવાતી હતી. આમાં જૂઠાણાં ફેલાવવાની અને કાશ્મીરી પ્રજામાં ભાગલા પાડવાની વાત ક્યાં આવી?

ફૈસલ શાહ કહે છે કે જે દિવસે ટીવીની ચેનલ પર તેમને બુરહાન વાનીના વિકલ્પ તરીકે દર્શાવવામાં આવી રહ્યા હતા તે દિવસે તેમની કોલોની બહાર વિરોધ વ્યક્ત કરવા ઉશ્કેરાયેલા યુવાનોનું ટોળું એકઠું થયું હતું અને નારાઓ બોલાવી રહ્યું હતું. બીજે દિવસે તેઓ જ્યારે પોતાની ઓફિસે જવા નીકળ્યા ત્યારે તેમને ડર લાગ્યો કે જો કાશ્મીરી યુવાનો તેમને ઓળખી લેશે તો તેમનું આવી બનશે. કારણે રોજના પોષાકમાં ઓફિસે જવાને બદલે તેઓ કુર્તાપાયજામા પહેરીને નીકળ્યા હતા. ફૈસલના વર્ણન પરથી ખ્યાલ આવે છે કે તેમને ટીવીની ચેનલ કરતાં વધુ ડર પોતાના યુવાનોથી છે. યુવાનો એટલા ભાન ભૂલેલા છે કે ફૈસલ જેવા કાશ્મીરના રોલમોડેલને પણ તેમનાથી ડરવું પડે છે.

પોતાના લેખમાં ફૈસલ શાહ કેન્દ્ર સરકારને પણ સપાટામાં લેતા કહે છે કે, કાશ્મીરી યુવાનો માટે ભારતનો અર્થ ચૂંટણીમાં ગોલમાલ, ભ્રષ્ટાચાર, દમન અને બનાવટી અથડામણો એટલો રહી ગયો છે. ભારત સરકાર પર દોષનો ટોપલો ઢોળતી વખતે તેઓ વાત ભૂલી જાય છે કે કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરાવવાનું ષડયંત્ર પાકિસ્તાનની ભૂમિ પરથી ચાલી રહ્યું છે. ભારત સરકાર પોતાની તમામ શક્તિ કાશ્મીરની પ્રજાના કલ્યાણ માટે લગાવી રહી છે, જેનો સાક્ષાત્કાર તેમને પૂરના પ્રકોપ વખતે થઇ ગયો હતો. ફૈસલ શાહનું એક સૂચન આવકાર્ય છે કે કેન્દ્ર સરકારે કાશ્મીરી યુવાનો સાથે વિશ્વાસ અને ઉષ્માનાં વાતાવરણમાં વાટાઘાટો કરવી જોઇએ. સંભવિત વાટાઘાટોમાં ફૈસલ શાહ જેવા સમજદાર અને શિક્ષિત કાશ્મીરી યુવાનો કડીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે.

@sanjay.vora@dbcorp.in

બુરહાન

ફૈસલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો