ભાસ્કર વિશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાનજીક આવેલા વિરોદ ગામે નદીમાં પાણી પીવા ગયેલી મહિલા ઉપર મગરે હુમલો કરી પગ પકડી પાણીમાં ખેચી જવાનો પ્રયાસ કરતાં તેની કાકાની દીકરીએ મગરના મોઢામાંથી પોતાની બહેનને બચાવી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના હરણી નજીક આવેલા વિરોદ અને પિલોલ ગામ વચ્ચે આવેલી નદીમાં આજે બપોરે એક મહિલાને પોતાની બહેન દ્વારા મગરના મોઢામાંથી બચાવવા દિલધડક જંગ ખેલવામાં આવ્યો હતો. વિરોદ નવી નગરી ખાતે રહેતાં વિદ્યાબેન રાઠોડીયા(ઉ.વ.26) ના પતિ ખાડા ખોદવાની છુટ્ટક મજૂરી કામ કરે છે.

આજે બપોરે વિદ્યાબેન લાકડાં કાપવા સીમમાં ગયાં હતાં. તેમની સાથે તેમની કાકાની દીકરી સુધાબેન મુકેશભાઇ રોઠોડીયા પણ હતાં. પોતાની પાસેનું પીવાનું પાણી ખાલી થઇ જતાં વિદ્યાબેન નજીકમાં આવેલી નદીમાં પાણી પીવા માટે નીચે ઉતર્યાં હતાં. જ્યારે તેમની બહેન નદીના ભાઠા ઉપર હતી.આ સમયે નદીમાંથી મગરે અચાનક વિદ્યાબહેન ઉપર હુમલો કરી તેમના પગે બચકું ભરી નદીમાં ખેંચવાનો પ્રયાસ કરતાં તેમણે બૂમાબૂમ કરી હતી.

નજીકમાં ઉભેલી તેમની બહેન દ્વારા નદીમાં ઝંપલાવી પોતાની પાસેની લાકડીથી મગરને માર મારી બહેનનો પગ છોડાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલાં વિદ્યાબહેનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

^ અમે બપોરે ત્રણ વાગ્યાના સુમારે પાણી પીવા જતાં બનાવ બન્યો હતો. મારી બહેનની બૂમો સાંભળી દોડી આવે તેવું કોઇ નહોતું . પરંતુ મેં હિમ્મતથી મગરના મોઢા ઉપર લાકડીથી હુમલો કરી બહેનને છોડાવી. > સુધાબેનરાઠોડ, જીવબચાવનાર મહિલા

નજીકમાં કોઇ નહોતું પરંતુ મેં બહેનને બચાવી

મગરે મહિલાને પકડી પાણીમાં ખેચી : બહેને બચાવી

અન્ય સમાચારો પણ છે...