તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ-કપડવંજમાં બાઇક ચોરનાર ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદશહેરના વર્ગો કોમ્પ્લેક્સ આસપાસ ઉપરા છાપરી બાઇક ચોરી કરી પોલીસને પડકાર ફેંકનાર આખરે પકડી પાડવામાં સફળતા મળી છે. નડિયાદ ટાઉન સર્વેલન્સ ટીમે બાતમી આધારે સંતઅન્ના ચોકડીએ નાકાબંધી કરી એક બાઇક ચાલકને રોકી તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી. તપાસમાં નડિયાદ અને કપડવંજની દસ બાઇક ચોરીના ભેદ ઉકેલાયાં હતાં.

અંગે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી. ચૌહાણે જણાવ્યું કે ・આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અબ્દુલકાદર, કોન્સ્ટેબલ હરજીભાઈ સહિતની ટીમે સંતઅન્ના ચોકડી પર નાકાબંધી કરી લીધી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતાં બાઇક સવારને રોકી પૂછપરછ કરતાં તે ગોવિંદકુમાર ભુપતભાઈ પરમાર (રહે.પોરડા, ભાથીજી ફળીયું, તા. કઠલાલ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી બાઇકના કાગળ માંગતાં તેણે ગલ્લા તલ્લા કર્યાં હતાં. આથી, તેની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. બાઇક અંગે તપાસ કરતાં તે નડિયાદ શહેરમાંથી ચોરાઇ હોવાનું ખુલ્યું હતું. આથી, આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને નડિયાદ શહેરના વર્ગો કોમ્પ્લેક્સ, સંતરામ મંદિર, કૃષ્ણ હોસ્પિટલ તથા કપડવંજ ટાઉનમાંથી બે બાઇક મળી કુલ દસ બાઇક ચોરી હોવાની કબુલાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બાઇક ચોરીમાં તરખાટ મચાવનાર ગોવિંદ પાસે માસ્ટર કી હતી. જેનાથી બાઇક ચોરી ફરાર થઇ જતો હતો. બાઇક ચોરી કરી તેને ગીરે મુકી દેતો હતો. બાદમાં મળેલા નાણાં મોજ, શોખમાં ઉડાડી દેતો હતો. હાલ પોલીસે તેના ઘરે અને ગીરો મુકેલી દસ બાઇક કબજે કરી છે. તેણે કપડવંજમાં મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં 10મી એપ્રિલે બપોરે 12થી 4ના સમયગાળામાં શ્રીકાન્તભાઇ અજિતભાઇ ડાભી (રહે. ઝઘડુપુર)ની બાઇક ચોરી કરી હતી.

પ્રાથમિક તપાસમાં દસ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

અન્ય સમાચારો પણ છે...