તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંચનની જ્યોત જ્યારે ધૂણી બની જાય...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મસ કાર્લાઈલ જેવા લેખકથી માંડી ઉપલેટોમાંથી નગરપાલિકાની લાઈબ્રેરીમાંથી પુસ્તકો વાંચીવાંચીને ગામની પૂનમ શાહ નામની દીકરી 10 વર્ષની ઉંમરથી વાંચવાનો ગાંડો શોખ રાખતી થઈ ગઈ. વાંચનનો શોખ માણસને માત્ર પૈસા ખર્ચતો કરતો નથી. તેને જીવવાનો મંત્ર અને આર્થિક તંદુરસ્ત ઉપાર્જન પણ આપે છે.

વર્ષ 1843માં થોમસ કાર્લાઈલે એક સનાતન સત્ય લખેલું કે- બુક્સ આર સૉલ ઑફ હોલ યુનિવર્સ. પણ આજે મારે વિદેશના અજાણ્યા વિદ્વાનોનાં વિધાનો લખવા નથી. મારા ‘ધન્ય ઘડી ધન્ય ભાગ્ય’ કે સોરાષ્ટ્રના વડાલા ગામના (ઉપલેટાથી બે ગાઉ દૂર) મૂળ ખેડૂત ગોપાલભાઈ મોહનભાઈ માંકડીયા (પટેલ) મને મળવા આવ્યા. જમીનખેડૂ નહીં, પણ અક્ષરખેડૂ પણ નીકળ્યા.

મારી જેમ ગોપાલભાઈ પણ નાની ઉંમરે વાચક બનેલા. મને ખેડૂતો પ્રત્યે પ્રેમ છે ખેતી પ્રત્યે પ્રેમ છે. બચપણમાં મને ખેતીમાં રસ હતો. મારા બાપીકી ખેતીની 40 વીઘા જમીનમાં કૂવો હતો. ગોપાલભાઈએ તેમના વડાલા-ઉપલેટા ગામે કિચૂડકિચૂડ કોસ ચલાવ્યો, તેમ મેં કૂવામાંથી પાણી કાઢવા કોસ ચલાવ્યો છે પછી વિધાતાએ મને મલેશિયામાં વેપારી બનાવ્યો. પણ વિધાતાને લાગ્યું કે તેમની ભૂલ છે. એટલે હું છેલ્લાં 45 વર્ષથી લેખક છું. કલમનો ખેડૂ છું. ગોપાલભાઈ પટેલ જેના વસ્ત્રોમાંથી જાણે હજીય કાઠિયાવાડની વહાલી ધરતીને ઉપજાઉ જમીનની સુગંધ આવતી હતી. એટલે મેં તેમને ગરીબ ખેડૂતમાંથી પુસ્તકના ઉથલાના સ્વામી કેમ બન્યા? તેનો ટૂંકો ઈતિહાસ માંડીને પૂછ્યો.

આમંત્રણ મળતા ગામડાનો ખેડૂત જે આપવામાં માને છે અને બ્રાહ્મણ જુએ, તો બે ચપટી બાજરાના દાણા વધુ નાખે તેમ ગોપાલભાઈએ તેમની દાસ્તાન શરૂ કરી. પણ મારે એક જૂની પ્રચલિત કાવ્ય પંક્તિ વાચકને માથે મારવી છે. ભાવનગર રાજ્ય સમયના સર પ્રભાશંકર પટ્ટણી કવિ પણ હતા. તેમણે ખેડૂતને જગતનો તાત ગણ્યો હતો- રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો- સઘળો સંસાર પાળતો તે જણાયો. વિધિની ક્રૂરતા જુઓ કે 1947 પછી સ્વતંત્ર ભારતનો ખેડૂત જગતનો તાત નહીં પણ ઓરમાયો બેટો બની ગયો છે. એટલીહદે ખેડૂત ઉદાર છે કે વિધાતાએ જે ‘લેખ’ તેના નસીબમાં લખ્યા હોય તે પ્રમાણે તે છેવટે મજૂર કે હીરાઘસુ કે શહેરનો કોઈ ચોકીદાર કે મજૂર બની ગયો છે.

ગોપાલભાઈ અાજે જગતના અનેક ગુજરાતીઓને પુસ્તક વાંચતા કરે છે. તેમણે પ્રગટ કરેલી ‘ચંદ્રકાન્તા’ અમેરિકાના ન્યૂજર્સીમાં પણ વંચાય છે. કાઠિયાવાડના ઉપલેટા ગામમાં હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈ બનીને રહેતા. ત્યાં મુસ્લિમોનું કુતુબખાના હતું અને કુતુબખાનામાં લાઈબ્રેરી હતી. લાઈબ્રેરીમાં પુસ્તકો વાંચી વાંચીને ખેડૂતપુત્રને પોતાને લાઈબ્રેરી શરૂ કરવાનું મન થયું. લોકો ઠઠ્ઠો ઉડાવતા કે ગામડામાં કોણ પૈસા આપીને પુસ્તક વાંચશે? પણ ગોપાલભાઈએ લોકોને ખોટા પાડ્યા? ગામડાના લોકો લાઈબ્રેરીમાં મહિને રૂ. એકનું લવાજમ ભરીને પુસ્તકો વાંચવા આપતા. આપણને ગૌરવ થવંુ જોઈએ કે વાંચન- ભૂખ સંતોષવા ગામડાના લોકો પૈસા ખર્ચવા તૈયાર છે. ગોપાલ પટેલે લોકોને ખોટા પાડ્યા.

ગૌરવની વાત છે કે ત્યારે પંદર વર્ષની કુંવારી દીકરી પૂનમબહેન શાહ શરૂમાં લાઈબ્રેરીમાં મફત પુસ્તકો વાંચતી પછી લાવજમ ભરીને અને પુસ્તકો ખરીદી ખરીદીને વાંચનભૂખ સંતોષી. ગામડાના અર્થતંત્રના રિવાજ પ્રમાણે ઘણા ગરીબ વાચકો મહિનાનું રૂ. 1 લવાજમ ભરી શકે તે રોજના વાંચવાના પાંચ પૈસા આપતા! પણ લોકો આવતા. ખાસ તો કન્યાઓ વધુ આવતી. ઘણી કન્યાઓ તેની માતા માટે પુસ્તકો લઈ જતી.

લાઈબ્રેરીમાંથી કંઈક પ્રવૃત્તિ વધારવી જોઈએ એટલે 1970માં નાનાભાઈને લાઈબ્રેરી સોંપીને પ્રકાશનનો ‘જોખમી ધંધો’ શરૂ કર્યો. તે ધંધાનું નામ પ્રવીણ પુસ્તક ભંડાર રાખ્યું. નાના ગામની વસતિમાં પણ વાચકો- ગ્રાહકો જાગ્યા અને ત્યારે મહિને વાંચનભાડાની રૂ. 1000ની આવક થતી. જમાનામાં ગામડામાં માત્ર પુસ્તકના વાંચનના ભાડામાંથી રૂ. 1000ની આવક થાય તે મોટી વાત ગણાતી. ધીરે ધીરે તેમનું નામ જાણીતું થતું ગયું.

મેં તેમને યાદ હોય તેવા મશહૂર પુસ્તકના પ્રકાશન વિશે પૂછ્યું ત્યારે જૂની પેઢીના વડીલો અને યુવાનોને લેખક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનાં વાર્તાનાં પુસ્તકો વાંચવા ભારપૂર્વક કહેતા. એમ પુસ્તક છાપવાનું કામ શરૂ ર્ક્યું. મોરારિબાપુએ કહેલું અમૃત રામાયણ પણ છાપ્યું.

જ્યાં કંકોત્રી છાપવા માટે માંડ માંડ લોકો પૈસા કાઢતા ત્યાં પુસ્તકો છાપવામાં ક્યાંથી પૈસા મળે? પણ ખેડૂતને શબ્દોની ખેતી પણ દૂઝી. પછી તો સિલસિલો શરૂ થયો. પ્રેમચંદ, રવીન્દ્રનાથ ટાગોર, શરદબાબુ, પિતાંબર પટેલ, ગોકળદાસ રાયચુરા, હરીન્દ્રભાઈ દવે, ચંદ્રકાન્ત બક્ષી અને હરકિસન મહેતાનાં પુસ્તકો છાપવાનું સાહસ ર્ક્યંુ.

મેં ગોપાલભાઈને પૂછ્યું ‘આ લેખકો-પુસ્તકોનાં કયાં પુસ્તકો વધુ વંચાતાં? તો તેમણે કહ્યું કે ત્યારે તમારા મહુવાના હરકિસનભાઈ સૌથી વધુ વંચાતા લેખક હતા અને આજે પણ 2017માં કોમ્પ્યુટર- મોબાઈલ યુગમાં હરકિસન મહેતા ‘સદાબહાર’ ગણી શકાય તેવા લેખક છે.

અન્ય સમાચારો પણ છે...