• Gujarati News
  • જસદણ તાલુકા સેવા સદન કચેરીમાં સિટી તલાટી પર ચાર શખ્સોનો હુમલો

જસદણ તાલુકા સેવા સદન કચેરીમાં સિટી તલાટી પર ચાર શખ્સોનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહાય મેળવવાના ફોર્મમાં વધારે કેમ ડોક્યુમેન્ટ માગે છે કહી હુમલો કર્યો

ભાસ્કરન્યૂઝ. રાજકોટ

જસદણતાલુકા સેવા સદનની કચેરી જાણે કે ધણીધોરી વગરની હોય તેમમ અવારનવાર અસામાજિક તત્વો દ્વારા કર્મીઓ પર હુમલાના બનાવો બને છે. આવા એક બનાવમાં બે દિવસ પહેલા સિટી તલાટી પર તાલુકા સેવા સદનની અંદર ચાર શખ્સોએ ખુરશી અને લાકડી વડે હુમલો કરતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે પોલીસ માથાકૂટમાં પડવા સિટી તલાટીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં રહેતા અને તાલુકા સેવા સદનમાં સિટી તલાટી તરીકે નોકરી કરતા શક્તિસિંહ ઘનશ્યામસિંહ ગોહેલ સોમવારે રાબેતા મુજબ પોતાની ઓફિસે હતા ત્યારે બે મહિલા ત્યા સરકારમાંથી મળતી સહાય મેળવવા આવી હતી પણ પૂરતા ડોક્યુમેન્ટ હોવાના કારણે સિટી તલાટીએ વધારાના ડોક્યુમેન્ટ માગ્યા હતા.

જેથી બન્ને મહિલાઓ બોલાચાલી કરી ત્યાથી ચાલી ગઇ હતી. જો કે તે બાદ વાતાવરણ શાંત બની ગયું હતું અને સિટી તલાટી તેના કામમાં લાગી ગયા હતા. તે દરમિયાન ચાર જેટલા શખ્સો ત્યા ધસી આવ્યા હતા અને તું કેમ સહાય મેળવવાના ફોર્મમાં વધારે કેમ ડોક્યુમેન્ટ માગે છે કહી અપશબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં કચેરીના કર્મચારીઓના તથા અરજદારોના ટોળા ઊમટી પડ્યા હતા.

તેમ છતાં ચારેય શખ્સોએ આવેશમાં આવી સિટી તલાટી શક્તિસિંહ ગોહેલ પર લાકડી તથા ખુરશી વડે હુમલો કર્યો હતો. હુમલામાં શક્તિસિંહને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. જે અંગેની જાણ થતા જસદણ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. જો કે તલાટીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

જસદણ તાલુકા સેવા સદનમાં સરાજાહેર સીટી તલાટી પર હુમલાના બનાવને કારણે કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. અવાર નવાર બનતા હુમલાના કારણે કર્મચારીઓએ મુદ્દે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાર્યવાહી થાય તેવી માગ કરી છે.

જસદણમાં સિટીતલાટી પર થયેલા સરાજાહેર હુમલાથી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને સરકારી કચેરીમાં આતંક મચાવનારા ચારેય શખ્સો સામે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડા દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરના પગલાં ભરવા કર્મચારીઓએ માગ ઊઠાવી હતી.

જિલ્લા પોલીસવડા દ્વારા યોગ્ય તપાસ કરવા માગ