નુકસાની વેરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાઅને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે મંગળવારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. મોટાભાગની નદીઓમાં પૂર આવતા બે કાંઠે વહેવા માંડી હતી. હિંમતનગર સહિત જિલ્લાના અનેક ઠેકાણે અસંખ્ય વીજપોલ અને ઝાડ ધરાશયી થતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તેમજ ટેલીફોન સેવાને પણ અસર થઇ હતી. જિલ્લામાં 290 વીજપોલ પડી ગયા હતા તથા 9 ટ્રાન્સફર્મરને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે હાથમતી, સાબરમતી, પુણ્યશિલા, પનારી, સેઇ, હરણાવ સહિતની અન્ય નદીઓમાં પુર આવ્યુ હતું. તેમજ વાંઘા, કોતરોમાં પણ પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે હવે કપાસ, મગફળી સહિતના અન્ય પાકોને નુકશાન થવાની શકયતા ખેડૂતવર્ગ દર્શાવી રહ્યો છે.

હિંમતનગરમાં મંગળવારે આખો દિવસ પવન સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. તેજ પ્રમાણે પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, પોશીના, લાંબડીયા સહિતના સ્થળે પણ વરસાદ ચાલુ રહેતા જનજીવન પર વ્યાપક અસરો વર્તાઇ હતી. કડીયાદરા, ચોરીવાડ, વિજયનગર માર્ગ પર 50થી વધુ વૃક્ષો ધરાશયી થઇ જતા વાહન ચાલકો અટવાયા હતા. હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામે બે તથા જવાનપુરા ગામે એક મકાન ધરાશયી થઇ ગયુ હતું અને એક ભેંસનું મોત નિપજયુ હતું. તેજ પ્રમાણે વડાલી તાલુકાના નાદરી ગામે પણ વરસાદને કારણે એક મકાન પડી ગયુ હતું.

હિંમતનગર-ઇડર રોડ પર સબજેલ પાસે વરસાદને કારણે નીલગીરીનું ઝાડ તથા વીજપોલ પડી જતાં વાહન વ્યવહાર ડાયવર્ટ કરવો પડ્યો હતો.

હિંમતનગર 108 મીમી

ઇડર 129 મીમી

ખેડબ્રહ્મા 97 મીમી

પોશીના 158 મીમી

પ્રાંતિજ 99 મીમી

તલોદ 42 મીમી

વડાલી 101 મીમી

વિજયનગર 108 મીમી

મોડાસા 107 મીમી

ભિલોડા 107 મીમી

મેઘરજ 69 મીમી

માલપુર 64 મીમી

બાયડ 70 મીમી

ધનસુરા 124 મીમી

12 કલાકનો વરસાદ

જિલ્લામાં 290 વીજપોલ ધરાશાયી, સર્વત્ર અંધારપટ

અન્ય સમાચારો પણ છે...