• Gujarati News
  • પ્લાયવુડની વેપારી પેઢી પર વેટના દરોડા ૫.૨૦ લાખની વેટ ચોરી પકડાઇ

પ્લાયવુડની વેપારી પેઢી પર વેટના દરોડા ૫.૨૦ લાખની વેટ ચોરી પકડાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં વેટની ચોરી કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ત્યારે બુધવારે ગાંધીનગર અન્વેષણ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હિંમતનગરના જૂના બજારમાં પ્લાયવુડ તથા હાર્ડવેરનું વેચાણ કરતા વેપારી પેઢી પર દરોડા પાડી રૂા.૫.૨૦ લાખની વેટ ચોરી પકડાઇ હતી.
આ અંગે વધુ માહિતી આપતા હિંમતનગર વેટ વિભાગના અધિકારી જીવાભાઇએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે જૂના બજાર વિસ્તારમાં પ્લાયવુડનું વેચાણ કરતા સંજર સેલ્સ નામની પેઢી દ્વારા નિયમોનો ભંગ કરી સરકારની તિજોરીમાં વેટની રકમ સમયસર જમા ન કરાવતા હોવાની ફરિયાદ મળતા ગાંધીનગર અન્વેષણ ડિપાર્ટમેન્ટના અધિકારી આર.પી.જોષી તથા અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સ્ટોક પત્રકમાં દર્શાવેલ સ્ટોક અને વેચાણ કરેલ વસ્તુઓમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર હોવાનું માલૂમ પડયુ હતું. જે દરમિયાન વધુ તપાસ કરવામાં આવતા રૂા.૫.૨૦ લાખની વેટ ચોરી કરી હોવાનું માલૂમ પડયુ હતું.
વેટ વિભાગના નિયમોનુસાર સંજર સેલ્સના વેપારીઓને નોટીસ આપી રૂા.૫.૨૦ લાખની વેટ ચોરી સમયસર સરકારમાં જમા કરાવવા માટેનો આદેશ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિંમતનગર અને ગાંધીનગર વેટ વિભાગ દ્વારા ગુપ્ત રીતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે હજુ પણ વધુ વેપારીઓ વેટ વિભાગના સંકજામાં આવે તો નવાઇ નહિ.