• Gujarati News
  • વડાલી તાલુકાના 33 ગામોને પાઇપ લાઇનથી પીવાનું શુદ્ધ પાણી મળશે

વડાલી તાલુકાના 33 ગામોને પાઇપ લાઇનથી પીવાનું શુદ્ધ પાણી મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનીકાળઝાળ ગરમીમાં ઠેર ઠેર પીવાના પાણીના પોકાર થવા લાગ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા વડાલી તાલુકાના 33 ગામોને પાઇપલાઇનો મારફતે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની યોજનાને મંજૂર કરાઇ છે. મહોર નજીક પીવાના પાણીને ફિલ્ટર કરીને પાઇપલાઇન મારફતે ગામોમાં પાણી પહોંચાડવામાં આવશે. જેનાથી વિસ્તારના ગામોની જનતાને પીવાના પાણી માટે ઠેરઠેર ભટકવું નહીં પડે.

સાબરકાંઠા જિલ્લામાં ધરોઇ ડેમમાંથી તથા નર્મદા કેનાલ મારફતે પીવાના પાણીની પાઇપલાઇન નાખીને જૂથ યોજના મારફતે પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં વડાલી તાલુકાના ગામડાઓમાં શુદ્ધ પીવાનું પાણી મળતાં ગ્રામજનોમાં હાડકા, દાંતના રોગ સહિત વિવિધ બીમારીનો ભોગ બને છે. સાબરમતી નદીપટમાં કૂવાઓ મારફતે પાણીનું સાયફન કરીને ફિલ્ટર કરવાના પ્લાન્ટ કાર્યરત કરાયો છે.

પાણી પુરવઠા વિભાગના અધિકારી એલ.જે.પટેલે જણાવ્યું કે, જૂથ યોજનાઓ મારફતે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં તથા સાબરમતી તથા નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવે છે, તેમ છતાં હજુ પણ કેટલાક ગામડાઓમાં હેન્ડપંપ, બોર-કૂવા મારફતે સ્થાનિક ગ્રામજનો પીવાનું પાણી મેળવી રહ્યા છે. વડાલી તાલુકાના ગામડાઓમાં ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી મળે તે માટેની ખાસ દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં મોકલી આપી હતી. જેને મંજૂરી મળતાં વડાલી તાલુકાના મહોર નજીક પીવાના પાણીને ફિલ્ટર કરીને પાઇપલાઇન મારફતે પહોંચાડવાની યોજના કાર્યરત કરાઇ છે. આગામી દિવસોમાં વડાલી તાલુકાના મહોર, હાથરવા, કંબોસણી સહિતના 33 ગામોને જૂથ યોજનાની જૂની પાઇપલાઇન મારફતે પીવાનું પાણી મળશે.