• Gujarati News
  • National
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા લેવાશે, 35થી વધુ સ્કવોડની ટી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા લેવાશે, 35થી વધુ સ્કવોડની ટીમો નજર રાખશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારથીધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં 46,307 વિદ્યાર્થીઓ અને અરવલ્લી જિલ્લામાં 35,587 વિદ્યાર્થીઓ કારકિર્દીના ઘડતરરૂપ પરીક્ષામાં બેસશે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંતિ માહોલમાં પરીક્ષા આપી શકે તેવી તૈયારીઅો કરાઇ છે.

ધોરણ-10ની પરીક્ષા 15 માર્ચથી 25 માર્ચ સુધી ચાલશે. જેનો સમય સવારે 10થી 1-30 કલાકનો છે. જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15 માર્ચથી 27 માર્ચ સુધી ચાલશે, જેનો સમય બપોરે 3થી 6-30નો રહેશે. વાણિજય પ્રવાહની પરીક્ષા 15 માર્ચથી 30 માર્ચ અને વિનયન પ્રવાહની પરીક્ષા 21 માર્ચથી 30 માર્ચ સુધી ચાલશે. વિજ્ઞાન પ્રવાહના છાત્રોને એક પેપર બાદ એક દિવસનો વિરામ અપાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 3804 અને સામાન્ય પ્રવાહમાં 13485 તેમજ ધોરણ-10માં 29018 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-10નું પ્રથમ પેપર ભાષાનુ છે, જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં કોમર્સનું એકાઉન્ટ અને વિજ્ઞાન પ્રવાહમાં ફીઝીકસનું પેપર છે. પરીક્ષાનો વિદ્યાર્થીઓમાંથી ભય દૂર થાય તે માટે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું કુમ કુમ તિલક કરી મોંઢુ મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવનાર છે.

સાબરકાંઠા શિક્ષણ નિરીક્ષક સ્મિતાબેન પટેલે જણાવ્યું કે, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો ઉપર કડક જાપ્તો રખાશે. વર્ગ 1 અને 2ના અધિકારી પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર હાજર રહેશે. જિલ્લાની 11 ટીમો અને જિલ્લા બહારની 2 ટીમો પરીક્ષા કામગીરીની દેખરેખ રાખશે, તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી આવરી લેવાયા છે.

પરીક્ષા કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ સેન્ટરો બંધ રહેશે

બોર્ડપરીક્ષાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરાયું છે. જેમાં પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજયામાં મોબાઇલ, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસફોન, સ્માર્ટવોચ અને ટેબલેટ જેવા ઇલેકટ્રોનીકસ ઉપકરણો સાથેના પ્રવેશ ઉપર તેમજ ચાર કે તેથી વધુ વ્યકિતઓના એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ 15 માર્ચથી 30 માર્ચ સુધી પરીક્ષા કેન્દ્રની 100 મીટર ત્રિજયામાં આવતા ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા સમય સુધી બંધ રાખવા આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...