• Gujarati News
  • National
  • ઇઝરાયલના સહયોગથી સ્થાપિત નર્સરીમાં ચેરી ટોમેટો અને ખીરાકાકડી પ્લાન્ટ રસપૂર્વક નિહાળ્યો

ઇઝરાયલના સહયોગથી સ્થાપિત નર્સરીમાં ચેરી ટોમેટો અને ખીરાકાકડી પ્લાન્ટ રસપૂર્વક નિહાળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ, તેમનાં પત્ની સારાહ સાથે ગુજરાતમાં હતા. સાંજના 4-42 વાગે તેઓ પ્રાંતિજના વદરાડ સ્થિત ઇન્ડો- ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાતે પહોંચ્યા ત્યારે અહીં તેમનું ફૂલોની ટોકરી અાપી ભાતીગળ સ્વાગત કરાયું. અહીં કિસાનો સાથે સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઇઝરાયલે મરુભૂમિને પુન:જીવિત કરી છે. તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું, ભારત પાસે વિઝન છે એટલે આજે ઇઝરાયલ ભારતમાં આવ્યું છે.

56 મિનિટના રોકાણ દરમિયાન તેમણે એક્સલન્સ સેન્ટરની પ્લગ નર્સરી અને ગ્રીનહાઉસમાં ચેરી ટોમેટો અને ખીરા કાકડી પ્લાન્ટની મુલાકાત લીધી. અહીં થઇ રહેલી તમામ કામગીરી અંગે રસપૂર્વક માહિતી મેળવી. તેમણે કચ્છના કૂકમામાં ઊભા કરાયેલા ડેટપામ સેન્ટરનું ડિઝિટલ ઉદ્દઘાટન કરી કચ્છીમાંડુઓનું વીડિયો સ્કીનના માધ્યમથી અભિવાદન ઝીલ્યું હતું.

જ્યારે નેતન્યાહૂએ તેમના સંબોધનની શરૂઆત માય એકસ્ટ્રા ઓર્ડિનરી ફ્રેન્ડ મેરે પ્યારે દોસ્ત સાથે કરી, અને થેન્ક યુ ઇન્ડીયા કહી સમાપન કર્યું.

ઇઝરાયલે મરુભૂમિને પુન:જીવિત કરી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પાસે વિઝન છે માટે આજે ઇઝરાયલ ભારતમાં છે : નેતન્યાહૂ
ઇઝરાયલના કૃષિ સંશોધન અહીંના ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહ્યા છે : નેતન્યાહૂ
બાઇબલના સમયે ઇઝરાયલ મરુભૂમિ પ્રદેશ હતો. કૃષિ નિષ્ણાંતોના અથાગ પ્રયાસોએ નંદનવન બનાવી દીધો. અત્યારે આ કૃષિ સંશોધન અહીંના ખેડૂતોને સમૃદ્ધ બનાવી રહ્યા છે તે જોઇને આનંદ થયો. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ માટે અમે મશાલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભારત પાસે વિઝન છે એટલે આજે ઇઝરાયલ ભારતમાં છે. 20 સેન્ટરમાંથી ટૂંક સમયમાં 30 સેન્ટર થઇ જશે અને આવનાર સમયમાં તેમાં વધારો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામીન નેતન્યાહૂએ વડરાદની નર્સરીમાં ચેરી ટોમેટોના પાકનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું.

ઇઝરાયલે સાબિત કર્યું વધુ ઉત્પાદન માટે ખેતરોમાં લબાલબ પાણીની જરૂર નથી, બૂંદ બૂ઼ંદ પાણીથી પણ સારો પાક લઇ શકાય છે: નરેન્દ્ર મોદી
ઇઝરાયલે કૃષિક્ષેત્રે ક્રાંતિ કરી છે. રણમાં પાણીનો અભાવ હોય છે, તેમ છતાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી મરુભૂમિમાં ખેતી કરીને પુન:જીવિત કરી છે. ઇઝરાયલે સાબિત કર્યું છે કે, સારા ઉત્પાદન માટે ખેતરોમાં લબાલબ પાણી ભરવાની જરૂર નથી, બૂંદ બૂ઼ંદ પાણીથી પણ સારો પાક લઇ શકાય છે.છે. નરેન્દ્ર મોદી

આ નર્સરીમાં માર્ગદર્શન મેળવી કોઇ વર્ષે 30 લાખ કમાય છે, તો કોઇએ દોઢ કરોડનું ટર્નઓવર મેળવ્યું
વર્ષ 2013માં પ્લગ નર્સરીની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવી આ વર્ષે 12 એકર જમીનમાં પોતાની પ્લગ નર્સરી બનાવી ફ્લાવર, કોબીજ, બ્રોકોલી વગેરેના ધરુ ઉછેર કરી 290 ટન ઉત્પાદન મેળવ્યું છે અને રૂ.45 લાખની આવક મેળવી છે. સમીર પટેલ, મામરોલી તા. પ્રાંતિજ

સેન્ટરમાં ધરુ ઉછેરની તાલીમ મેળવી તથા ખીરાકાકડી અને ગલગોટા અંગે માર્ગદર્શન લઇ ગ્રીનહાઉસ બનાવી રૂ.3 લાખનુ ટર્નઓવર કર્યું છે. સરોજબેન ભાવેશભાઇ પટેલ, મોટીદાઉ તા.મહેસાણા

એક્સલન્સ સેન્ટર બન્યા બાદ વારંવાર મુલાકાત લીધી અને ધરુવાડિયા માટેના વિચારને અમલમાં મૂકી આ વર્ષે રૂ. દોઢ કરોડના ઘરુઉછેર કરી વેચાણ કર્યું છે. ઘનશ્યામભાઇ પટેલ, મામરોલી તા.પ્રાંતિજ

ખેતી અને સીડ્સનો વ્યવસાય કરું છું, એક્સલન્સ સેન્ટરમાં આવ્યા બાદ નર્સરી શરૂ કરવાનું વિચાર્યુ અને 6 મહિનામાં રૂ.30 લાખનું વેચાણ કર્યું છે. મયુર પટેલ, હિંમતનગર

ખેડૂતોનો અનુભવ તેમના જ શબ્દોમાં
પહેલા જાતે ખેતરમાં ધરુ ઉત્પાદન કરતો હતો. સેન્ટરમાં આવ્યા બાદ નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન મેળવી દોઢ હેક્ટરમાંથી રૂ.1.40 કરોડનુ ટર્નઓવર કર્યું છે. રાકેશભાઇ ગાંડાભાઇ પટેલ, માઢી, તા.વિજાપુર

એક્સલન્સ સેન્ટરમાં તાલીમ લઇ રીંગણ, મરચી, ટામેટી, કોબીજના ધરુનું ઉત્પાદન કરી રહ્યો છું. ટૂંકાગાળામાં રૂ.30 લાખના ધરુનું ઉત્પાદન કર્યું છે. તરીયા વસાવા, ડેડીયાપાડા

અન્ય સમાચારો પણ છે...