• Gujarati News
  • National
  • તાપમાનમાં વધારો થતાં ઘઉંના પાક પર તોળાઇ રહેલો ખતરો

તાપમાનમાં વધારો થતાં ઘઉંના પાક પર તોળાઇ રહેલો ખતરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા દસેક દિવસથી લઘુત્તમ મહત્તમ તાપમાનમાં થઇ રહેલ વધારાને કારણે ગરમીમાં વધારો થયો છે અને તેની સીધી અસર ઘઉંના વાવેતર પર થઇ રહી છે. ઘઉંના પાકમાં ફૂલ અવસ્થા અને દૂધીયા દાણા આવવાની અવસ્થામાં સરેરાશ 25 થી 27 સેન્ટીગ્રેડ તાપમાન જળવાઇ રહેવુ જરૂરી છે. તેની સામે અત્યારે 8 થી 10 ટકા વધુ તાપમાન નોંધાઇ રહ્યુ છે. એક સર્વેક્ષણ મુજબ પ્રતિ એક ડિગ્રી વધુ તાપમાન ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો કરે છે. આવનારા સમયમાં તાપમાન હજુ વધવાની વકી છે. ત્યારે જમીન ઝડપથી ભેજ ગુમાવવાની સંભાવનાઓ વચ્ચે ખેડૂતોએ પિયત વધારવા તૈયારીઓ રાખવી પડશે.

ખેતીવાડી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 85 હજાર હેક્ટરમાં ઘઉંનુ વાવેતર થયુ છે. તે પૈકી 22 હજાર હેક્ટરમાં 15 ડિસેમ્બર પછી વાવેતર થયું છે. ઘઉંનુ વાવેતર નવેમ્બર માસના ઉત્તરાર્ધમાં શરૂ થાય છે. ઘઉંના પાકમાં કટોકટીની 6 અવસ્થા આવે છે અને 50 દિવસ બાદ ગાભે આવવાની અને 60 થી 65 દિવસે ફૂલ અવસ્થા અને તેના એક સપ્તાહ બાદ દૂધીયા દાણા આવવાની અવસ્થા આવે છે. નવેમ્બર માસ દરમિયાન કરવામાં આવેલ વાવેતરમાં આ ત્રણેય અવસ્થાનો સમય પાકી ગયો છે અને છેલ્લા દસેક દિવસથી તાપમાનનો પારો ઉંચકાઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 20 થી 21 ડીગ્રીની આસપાસ નોંધાયુ છે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર કરી ગયુ છે.

અગામી વીસેક દિવસ દરમિયાન ઠંડીનુ પ્રમાણ વધશે નહી તો ઘઉંના ઉત્પાદનને મોટો ફટકો પડવાની દહેશત ઉભી થઇ છે અને અંદાજે વીસેક ટકા ઉતારો ઓછો આવવાની ભીતી સેવાઇ રહી છે. કૃષિ નિષ્ણાતોના મંતવ્યનુસાર 25 ફેબ્રુઆરી સુધી સરેરાશ 26 સેન્ટીગ્રેડ તાપમાન જળવાઇ રહેવુ જોઇએ.

ઘઉંના પાક પર તાપમાનની કેવી અસર થાય છે
ઠંડો, ભેજવાળો અને શિયાળાનો સૂર્ય પ્રકાશ ઘઉંના પાકને ઘણો ફાયદો કરે છે. ઘઉંના પાકની સારી વૃદ્ધિ અને વિકાસ માટે સરેરાશ 25 થી 27 ટકા સેન્ટીગ્રેડ તાપમાન જરૂરી છે. જેમાં બિયારણના ઉગાવા સમયે 25 થી 27 સેન્ટીગ્રેડ અને દાણા ભરવાના સમયે 23 થી 25 સેન્ટીગ્રેડ તાપમાન જરૂરી છે. ફૂલ અને દૂધીયા દાણા આવવાની અવસ્થાએ ઉંચુ તાપમાન અને અતિશય નીચુ તાપમાન નુકશાનરૂપ બને છે ભેજવાળુ હવામાન અને નીચુ તાપમાન ગેરુના રોગ માટે કારણભૂત બને છે.

ઘઉંની કટોકટીની 6 અવસ્થા
1.મૂકૂટ મૂળ અવસ્થા (18 થી 21 દિવસ)

2.ફૂટ અવસ્થા (38 થી 40 દિવસ)

3.ગાભે આવવાનીઅવસ્થા(50 થી 55 દિવસ)

4.ફૂલ અવસ્થા (60 થી 65 દિવસ)

5.દૂધીયા દાણા અવસ્થા (75 થી 80 દિવસ)

6.પોક અવસ્થા (90 થી 95 દિવસ)

ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે અને ઘઉંમાં ઉંબી આવવાની અવસ્થા શરૂ થઇ ગઇ છે. ઠંડીનુ પ્રમાણ નહીં વધે તો ઉત્પાદનમાં 20 ટકાથી વધુનો ફટકો પડી શકે તેમ છે સુરેશભાઇ પટેલ (ખેડૂત, કાંકણોલ)

અન્ય સમાચારો પણ છે...