• Gujarati News
  • National
  • જિલ્લા અને માલપુર તા. પ્રા.શિક્ષક સંઘના પ્રમુખની એકબીજાને મારી નાખવા ધમકી

જિલ્લા અને માલપુર તા. પ્રા.શિક્ષક સંઘના પ્રમુખની એકબીજાને મારી નાખવા ધમકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિ.પ્રા. શિક્ષક સંઘના પ્રમુખની ચૂંટણીનો વિવાદ ચરમસીમાએ


અરવલ્લીજિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ હવે હરીફ ઉમેદવારો સામસામે આવી ગયા છે. જેમાં નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને માલપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે એકબીના વિરુદ્ધ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇ શિક્ષણ આલમમાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

તાજેતરમાં શામળાજી ખાતે મળેલી જનરલ સભામાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પદે હસમુખભાઇ એસ. પટેલ (મોડાસા)ની વરણી કરાઇ હતી. તેમના હરીફ ઉમેદવાર માલપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેશભાઇ ઉપાધ્યાય (માલપુર) હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હસમુખભાઇ શંકરભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મોડાસાના મેઘરજ રોડ પર આવેલા હનુમાનજી મંદિર નજીક અન્ય શિક્ષકો સાથે બેઠા હતા. ત્યારે મહેશકુમાર કમળાશંકર ઉપાધ્યાયએ ફોન ઉપર ચૂંટણીમાં હારનો રાગદ્વેષ રાખી ઉશ્કેરાઇ જઇ બિભત્સ અપશબ્દો બોલી હું પ્રમુખ નહીં રહેવા દઉં અને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. મામલે મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે સામે પક્ષે માલપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેશકુમાર કમળાશંકર ઉપાધ્યાયએ પણ જિલ્લા પ્રમુખ હસમુખ ભાઇ પટેલ સામે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ રવિવારે ઘરે હતા, ત્યારે બપોરે 11-30 વાગ્યે મોબાઇલ નં. 98797 92144 ઉપરથી મિસકોલ આવ્યો હતો. જેથી સામે ફોન કરતાં હસમુખભાઇ પટેલે ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ઉમેદવારી કરીશ તો તને જાનથી મારી નાખીશ તથા તું મને ઓળખતો નથી, ટાંટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. અા મામલે માલપુર પોલીસે મહેશકુમાર ઉપાધ્યાયની ફરિયાદ આધારે હસમુખભાઇ શંકરભાઇ પટેલ વિરુદ્ધ સોમવારે મોડી સાંજે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...