• Gujarati News
  • ડીસામાં પ્રથમવાર પેટાચૂંટણીમાં બુથ પરથી સીધું વેબકાસ્ટીંગ થશે

ડીસામાં પ્રથમવાર પેટાચૂંટણીમાં બુથ પરથી સીધું વેબકાસ્ટીંગ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણીપંચ દ્વારા દર ચૂંટણીએ નીતનવા સુધારા તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉમેરો કરાતો રહે છે. ત્યારે ડીસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ડીસામાં સૌપ્રથમ વખત સંવેદનશીલ ૭૧ બુથ પર વેબકેમેરા લગાડી બુથની કામગીરીનું સીધુ લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવનાર છે.
ડીસા વિધાનસભાની પેટાચૂંટણી તા. ૧૩ સપ્ટેમ્બરે યોજાનાર છે. ડીસામાં કુલ ૨.૩૦ લાખ ઉપરાંત મતદારો માટે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં ૭૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮૨ મળી કુલ ૨૫૨ બુથની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં ૭૧ સંવેદનશીલ બુથ અને ૧૮૧ સામાન્ય બુથ છે. ચૂંટણી પંચ દ્વારા દર વખતે આધુનિક ટેકનોલોજીનો ઉમેરો થતો જાય છે તેમાં આ વખતની ચૂંટણીમાં ૭૧ સંવેદનશીલ બુથો પર વેબકેમેરા લગાવી મતદાનની સમગ્ર કાર્યવાહીનું વેબકાસ્ટીંગ (પ્રસારણ) કરાશે.
ડીસાના નાયબ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર ડો. દિગંત બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ ૭૧ બુથો પર સીધુ વેબ કાસ્ટીંગ, ૩૬ બુથો પર માઇક્રો ઓબ્ઝર્વર તેમજ ૩૫ જગ્યાએ વિડીયોગ્રાફી કરાશે. જયારે ૫૪ બુથો પર અર્ધલશ્કરી દળોની ટુકડી તૈનાત કરાશે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને પારદર્શી રીતે થાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઇ છે. લાઇવ વેબકાસ્ટીંગથી કેન્દ્રીય ચૂંટણી પંચ, રાજય ચૂંટણી પંચ તેમજ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ ઓફિસ બેઠા - બેઠા સમગ્ર પ્રક્રિયા નિહાળી શકશે.