• Gujarati News
  • વીજડીપી ફાટતાં લાગેલી આગમાં ટ્રેકટર સાથે યુવક ભડથું થઈ ગયો

વીજડીપી ફાટતાં લાગેલી આગમાં ટ્રેકટર સાથે યુવક ભડથું થઈ ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના રામસણ ગામની સીમમાં એક ખેતરમાં શુક્રવારે સવારે ધડાકા સાથે ફાટેલી વીજ ડીપીમાંથી ઉડેલા ગરમ ઓઇલથી આગ પ્રસરી હતી. જેમાં ટ્રેકટર અને તેને ખસેડવા ગયેલો યુવાન પણ આગની લપેટમાં આવી જતાં ઘટના સ્થળે બળીને ભડથું થઇ ગયો હતો. આ ઘટનાના પગલે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
મૂળ ભાદરા ગામના રહીશ નારણજી નેમાજી ઠાકોર (૩૫) રામસણ ગામે ત્રિવેદી શિવલાલ ઉત્તમલાલનું ખેતર ઉધડ રાખીને છેલ્લા ત્રણેક વર્ષથી ખેતી કરતો હતો. શુક્રવારે પરોઢે પાંચેક વાગ્યે પાણીનો બોર ચાલુ હતો તે દરમિયાન અચાનક વીજ ડીપી ફાટી હતી અને તેનું ગરમ ઓઇલ આજુબાજુમાં ફેલાઇ જતાં આગ લાગી હતી. જોતજોતામાં બાજુમાં પડેલું ટ્રેકટર પણ આગમાં સપડાતાં નારણજી તેને ખસેડવા ગયો હતો.
જેમાં તે પણ આગની લપેટમાં આવી જતાં ઘટના સ્થળે જ બળીને ભડથુ થઇ ગયો હતો. વીજ ડીપી ફાટતા થયેલો ધડાકો સાંભળી આજુબાજુના ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા. પરંતુ વીજપ્રવાહ ચાલુ હોવાથી કોઇ બચાવ કામગીરી કરી શકયું નહતું. જયારે વીજ કંપનીને ફોન કરતાં છતાં મોડે સુધી વીજપ્રવાહ બંધ ન કરાતાં બાજુના ઘરમાં પડેલ ઘરવખરી સાથે ટ્રેકટરના ભરવાના નાણાં પણ બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘટના અંગે ગામના સરપંચ સુમેરસિંહે તંત્રને જાણ કરી હતી. જેમાં આગથળા પીએસઆઇ ગાંધે ટીમ સાથે ગામે દોડી આવી વિગતે તપાસ હાથ ધરી હતી. જયારે મામલતદારને જાણ કરવા છતાં કચેરીના કોઇ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંરયા ન હતા.
મૃતકનું પીએમ ઘટના સ્થળે જ કરાયું
મૃતક ઠાકોર યુવકની લાશ ખસેડીને કયાંય લઇ જવાય તેમ ન હોઇ પોલીસ તથા સરપંચની વિનંતીથી લાશનું પોસ્ટમોટર્મ રામસણ પીએચસીના મેડીકલ ઓફિસરે ઘટના સ્થળે જ કર્યું હતું. બાદમાં તેમના પરિવારને લાશ સુપરત કરી હતી.
વીજકંપનીની લાપરવાહીથી ઘટના બની હોવાનું અનુમાન
વીજ ડીપી ફાટવાના બનાવો બનતા નથી પરંતુ આ ડીપી આઠ વર્ષ જૂની હોઇ ફાટી હોવાનું લોકોએ જણાવ્યું હતું. જયારે વીજ કંપની ઝેરડાના ડે. એન્જિનિયર વિજય મહેરીયાએ જણાવ્યું કે, ડીપી કઇ રીતે ફાટી તે બાબતે તપાસ કર્યા બાદ જ સાચું કારણ જાણવા મળી શકે.
રામસણમાં વીજ ડીપી ફાટતાં લાગેલી આગમાં ટ્રેકટર સાથે યુવક ઘટના સ્થળે સળગીને ભડથું થઇ ગયો હતો. - રાજન ચૌધરી