કાંટ પાંજરાપોળમાં 75 ઢોરને આફરો ચડ્યો: 20નાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનીરાજપુર પાંજરાપોળની કાંટ શાખામાં શુક્રવારે બપોર બાદ 75થી વધુ ઢોરને ફૂડ પોઇઝનિંગની અસર થતાં આફરો ચઢવાથી એક પછી અેક 20 જેટલા પશુઓના મોત નિપજ્યાં હતાં. જ્યારે 55 પશુઓને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કતલખાને જતાં ગૌવંશ અને ઢોરોને સાચવતી સંસ્થા ડીસાની રાજપુર પાંજરાપોળમાં હાલમાં 12 હજારથી વધુ ઢોરોનો રખરખાવ થઇ રહ્યો છે. જેમાં પાંજરાપોળની કાંટ શાખામાં શુક્રવારે ઉપરના વાડામાં રાખેલા ઢોરોને લીલું ઘાસ આપ્યા બાદ બપોરની ગરમીમાં કેટલાંક પશુઓ વધુ પાણી પી જતાં એક પછી એક પશુઓને આફરો ચઢવાથી પેટ ફૂલવા લાગ્યા હતા. જેથી ગોવાળોએ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી ભરતભાઇ કોઠારીને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. જ્યારે પાંજરાપોળના સ્થાનિક પશુ ચિકિત્સકોની ટીમે તાત્કાલિક સારવાર હાથ ધરી હતી. જ્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજની ટીમ તેમજ ખાનગી પશુ ચિકિત્સકોની ટીમ પણ દોડી આવી હતી. લગભગ 75થી વધુ ઢોરો આફરો ચઢવાથી બેહોશ થઇ ઢળી પડ્યા હતા. જેમાંથી 55થી વધુ પશુઓને સારવારથી બચાવી લેવાયા હતા. જોકે, 20 જેટલા પશુઓના મોત થયાં હતા. ટ્રસ્ટી ભરતભાઇ શાહના જણાવ્યા મુજબ, બપોરે ઘાસ ખાધા બાદ વધુ પાણી પીવાથી આફરો ચઢ્યો હતો. જોકે, તાત્કાલિક સારવારથી મોટાભાગના પશુઓને બચાવી લેવાયા છે.ડીસાથી રાજપુર પાંજરાપોળની કાંટ શાખામાં શુક્રવારે બપોર બાદ આફરો ચઢવાથી 20 પશુઓના મોત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...