• Gujarati News
  • ચાણસ્માતાલુકાના ધરમોડા ગામે શુક્રવારે રાત્રે દારૂની બદીને કાયમી ધોરણે

ચાણસ્માતાલુકાના ધરમોડા ગામે શુક્રવારે રાત્રે દારૂની બદીને કાયમી ધોરણે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્માતાલુકાના ધરમોડા ગામે શુક્રવારે રાત્રે દારૂની બદીને કાયમી ધોરણે ગામવટો આપવા માટે આખુ ગામ ડેરી ચોક ખાતે એકઠુ થયું હતું. જેમાં તમામ કોમના 52 સભ્યોની કમિટી બનાવાઇ હતી અને દારૂ ગાળતાં, દારૂ પીતાં તેમજ દારૂ વેચતો હોય તેને દંડની જોગવાઇ કરવામાં આવી હતી. બાતમી આપનારને પ્રોત્સાહિત ઇનામ સહિતના નિયમો બનાવી શનિવારથી તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ગામની તમામ કોમોની મહિલાઓએ પણ સભામાં હાજર રહીને દારૂની બદીથી ગામને થયેલ નુક્સાનની હૈયાવરાળ ઠાલવી હતી.

દારૂના રાક્ષસને કાયમ માટે જાકારો આપવા માટે મળેલ ગ્રામસભામાં પીઆઇ ડી.ડી.ચૌધરીએ ઉપસ્થિત રહી જો ગામની એકતા હશે અને ચુસ્ત દારૂબંધીનો અમલ કરવો હશે તો પોલીસ તરફથી પુરા સહકારની ખાત્રી આપી હતી. ઠાકોર સમાજના અગ્રણી પૂર્વ સરપંચ કપુરજી ઠાકોર, બ્રહ્મ સમાજના રાજુભાઇ દવે, રબારી સમાજના વાઘુભાઇ દેસાઇ તેમજ વેલાજી ઠાકોર, કરશનજી ઠાકોરે ગામના તમામ કોમના લોકો ગામમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થાય તે માટે તેમના તરફથી પૂરતી કાળજી લેવાની ખાત્રી આપી હતી. છેલ્લા ઘણા સમયથી ગામમાં દારૂની બદીએ માઝા મૂકી હતી. જે સમાજ, ગામ માટે કલંકરૂપ હતું. જે ગામના તમામ કોમોના સહિયારા સાથથી આજે દારૂની બદીને દૂર કરવા પ્રયત્ત હાથ ધરાયો હોવાનું જણાવ્યું હતું.