તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્માના ગંગેટમાં શાળાએથી ઘરે જતા બાળકોને ઉઠાવી જવાના પ્રયાસથી દોડધામ

ચાણસ્માના ગંગેટમાં શાળાએથી ઘરે જતા બાળકોને ઉઠાવી જવાના પ્રયાસથી દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે બુધવારે શાળાએથી ઘરે જઈ રહેલા બાળકોને અજાણ્યા રિક્ષા સવાર મહિલા વેશધારી શખ્સોએ બળજબરીથી પકડવાનો પ્રયાસ કરતાં ગભરાઇ ગયેલાં બાળકો બૂમાબૂમ કરતા ગામ તરફ દોડી જતાં સનસનાટી પ્રસરી ગઇ હતી. બાળકો નાસી જતાં અજાણ્યા શખ્સો છૂમંતર થઇ ગયા હતા.

ગંગેટ ગામે સમી તાલુકાના રણાવાડા ગામના રાણાજી વીરભણજી ઠાકોર છેલ્લા દસ વર્ષથી ગંગેટ ગામે ગણેશભાઈ પટેલના જીતોડા રોડ ઉપર આવેલ જમીન વાવી જીવનનિર્વાહ કરે છે. પ્રાથમિક અને માધ્યમિક શાળા છૂટ્યા બાદ ચાર બાળકો કૈલાશબેન રાણાજી ઠાકોર, રાજેશજી ઠાકોર, શાંતાબેન રાણાજી ઠાકોર અને જીગરજી ઠાકોર ભાઈ બહેનો બપોરે 12 વાગ્યાના સુમારે સીમ વિસ્તારમાં જીતોડા રોડ ઉપર આવેલા તેમના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે ગંગેટથી અડધો કિલોમીટર દુર રોડ પર એક રીક્ષામાં મહિલા અને પુરુષ વેશધારી પાંચ-છ જણા બેઠા હતા. જેઓએ બાળકોને ઈશારો કરીને બોલાવ્યા પરંતુ બાળકો ન જતાં સ્ત્રી વેશધારીઓએ પકડવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોએ શિક્ષક બેચરભાઈ પટેલને ખબર કરતાં ગામ લોકો અજાણ્યા માણસોની શોધ કરવા પાછળ દોડ્યા હતા અને ચાણસ્મા પોલીસ સ્ટેશને મેસેજ કરાતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. પ્રિયદર્શીએ દોડી જઇ તપાસ કરાવી હતી. જો કે, કોઈ મળ્યું ન હતું.

ચાણસ્મા પીઆઇ કે.એમ પ્રિયદર્શીએ જણાવ્યું કે સ્થળની મુલાકાત લઇ પેટ્રોલિંગ માટે પોલીસને સૂચના આપી છે. આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ કરાશે. શાળાઓ ચાલુ બંધ થવાના સમયે શાળાની આસપાસ તકેદારીના પગલાં લેવાશે.

અમને ઇશારો કરીને બોલાવ્યા ન ગયા તો પકડવા દોડી આવ્યા
જ્યોતી વિધાલયમાં ધોરણ 9માં ભણતી ભોગ બનનાર કૈલાશબેન ઠાકોરે જણાવ્યું કે તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચાર માણસો સાડીનો પહેરવેશ વાળા અમને પકડવા આવ્યા હતા પણ બૂમાબૂમ કરી ગામ તરફ ભાગતા અમે બચી ગયા.

શાળામાં આજે જ પ્રાર્થનામાં સૂચના આપી હતી : શિક્ષક
શાળાના શિક્ષકે જણાવ્યું કે બુધવારે સવારે પ્રાર્થનામાં બાળકોને સુચના આપી હતી કે કોઈ અજાણ્યા શખ્સો કોઈ વસ્તુ આપે તો લેવી નહીં અને તેમની વાતમાં આવવું નહીં અને તરત જ જાણ કરવી. આ સૂચનાથી બાળકો બચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...