તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેશ્વો ડેમમાં પૂરતું પાણી છતાં શામળાજીને પાણીનાં વલખાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજીસ્થિત મેશ્વો ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં વિસ્તારના લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. જયારે ડેમના પાણીનો લાભ અન્ય તાલુકાના લોકોને મળી રહ્યો છે. જેથી દર વર્ષે પાણી છોડાવવા માટે સરકારમાં આજીજી કરવી પડે છે. તાજેતરમાં પણ વિસ્તારના લોકોએ પાણી છોડવા માટે માંગણી સાથે સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માંગ કરી છે.

વિસ્તારના અગ્રણી બાબુભાઇ પટેલે જણાવ્યું કે, શામળાજી આસપાસના લોકોને ઘર આગળ પાણી અને તરસ્યા મરવા જેવો ઘાટ થયો છે. શામળાજીના મેશ્વો ડેમમાં જીવન જરૂરી 20.733 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હોવા છતાં વિસ્તારના લોકોને પાણી માટે મુશ્કેલી ઉભી થઇ છે. ઉનાળાની શરૂઆત થતાં શામળાજી આસપાસના બહેચરપુરા, શામળપુર, ખારી, ખેરંચા, ગડાદર સહિતના ગામોમાં કૂવા અને બોરમાં પાણીના સ્તર નીચે જતા રહેતા લોકોને પીવાના પાણીની સાથે પશુઓને પીવડાવવાના પાણીની સમસ્યા ઉદભવતા લોકો દ્વારા મેશ્વો ડેમમાંથી પાણી છોડવાની માંગણી ઉભી થાય છે.

બીજી બાજુ વર્ષોથી શામળાજી ડેમના પાણીનો ઉપયોગ ભિલોડા તાલુકાની પ્રજાને મળવાને બદલે અન્ય તાલુકા અને જિલ્લાની પ્રજાને મળી રહ્યો છે. ત્યારે દર વર્ષે વિસ્તારના લોકોને ઉનાળાની શરૂઆત થતા મેશ્વો ડેમમાંથી પાણી છોડાવવા માટે સરકારમાં આજીજી કરવી પડે છે અને ત્યાર બાદ પાણી છોડાય છે. આથી સરકાર દ્વારા અંગે યોગ્ય નિર્ણય કરી મેશ્વો ડેમમાંથી નિયમિત પાણી છોડવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...