ભિલોડામાં રસ્તા પરના દબાણો મામલે 26 વેપારીઓને નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રગતિસેતુ કાર્યક્રમમાં ટ્રાફિકનો મુદ્દો ચગતાં તંત્રને ભાન થયું

દબાણો દૂર કરવા માર્ગ-મકાન વિભાગની 7 દિવસની મહેતલ સ્વેચ્છાએ દૂર નહીં કરાય તો વેપારીના જોખમે તંત્ર તોડી પાડશે

ભિલોડામાંશામળાજી- ઇડર રોડ પર લારીઓ તથા પાકા શેડ કરી કરાયેલા દબાણોના કારણે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોઇ લોકોનેે ભારે હાડમારી વેઠવી પડે છે. તાજેતરમાં યોજાયેલા પ્રગતિસેતુ કાર્યક્રમમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉછળતાં હરકતમાં આવેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 26થી વધુ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં દિન-7માં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા તાકીદ કરાઇ છે. અન્યથા તંત્ર દ્વારા વેપારીઓના જોખમે દબાણો દૂર કરવામાં આવશે તેમ જણાવાયું છે.

ભિલોડામાં શામળાજી રોડ પર હાથલારીઓ, પાકા શેડ અને વાહનોના આડેધડ પાર્કિંગના લીધે અવરજવર કરતા વાહનો અને રાહદારીઓને ઘણી તકલીફો પડે છે. જેના અનુસંધાને મામલતદારને મળેલી ફરિયાદો તથા તાજેતરમાં યોજાયેલા પ્રગતિ સેતુ કાર્યક્રમમાં અરજદારો દ્વારા પૂછાયેલા પ્રશ્નો સંદર્ભે માર્ગ-મકાન વિભાગની કચેરી દ્વારા 26થી વધુ રસ્તા પર દબાણો કરી રહેલા વેપારીઓને નોટિસ આપી દિન-7 માં સ્વૈચ્છાએ દબાણો દૂર કરવા તાકીદ કરાઇ છે. જો તેમ કરવામાં નહી આવે તો તંત્ર દ્વારા સત્વરે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. ભિલોડા-શામળાજી રોડ પર આવતા કોમ્પલેક્ષોમાં પોતાની દુકાનોના શેડ બહાર કાઢી દબાણો કરાયા છે તે પણ દૂર કરાય તો જાહેર રસ્તો ખુલ્લો થાય તેમ છે. રોડ પર વાહન પાર્કિંગ આડેધડ કરવામાં આવે છે તેમ છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કરાતાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આવા રસ્તાઓ પરના વાહનો ખસેડાય તેવી લોકમાંગ પ્રબળ બની છે.

ભિલોડામાં શામળાજી- ઇડર રોડ પર લારીઓ તથા પાકા શેડ કરી કરાયેલા દબાણો દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસો અપાઇ છે. તસવીર- કૌશિક સોની

અન્ય સમાચારો પણ છે...