• Gujarati News
  • અરવલ્લીજિલ્લાના ભિલોડામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી

અરવલ્લીજિલ્લાના ભિલોડામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લીજિલ્લાના ભિલોડામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. દસ દિવસથી તો જાણે તસ્કરોએ ભિલોડામાં પડાવ નાખ્યો હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોઇ પોલીસ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. રવિવાર બાદ સોમવારે રાત્રે મુખ્ય બજારમાં આવેલી ઇલેકટ્રીક તથા નોવેલ્ટીની મળી બે દુકાનોમાંથી તસ્કરો રૂ.8 હજારની ચોરી કરી ભાગી ગયા હતા. દુકાનોની સામે હોમગાર્ડનો પોઇન્ટ તથા પોલીસ ચોકી આવેલી હોવા છતાં તસ્કરોએ બિન્દાસ્ત ચોરી કરતાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ખડા થઇ રહ્યા છે.

સોમવારે રાત્રે ભિલોડા પોલીસ ચોકી તથા હોમગાર્ડના પોઇન્ટની પાસે આવેલી પંડયા ઇલેકટ્રીકની દુકાનના પતરાં કાઢી અંદર પ્રવેશી તસ્કરો રૂ.8 હજારનો ઇલે. સામાન લઇ ગયા હતા તેમજ બાજુમાં ગાયત્રી નોવેલ્ટી નામની દુકાનના પતરા કાઢી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીની ઉપરાઉપરી બની રહેલી ઘટનાઓથી વેપારીઓ રોષે ભરાયા છે. અંગે વેપારી નવીનભાઇ ખરાદી તથા પ્રેમાનંદભાઇ પંડયાએ જણાવ્યું કે, બે દિવસ પહેલા પણ બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી રૂ.40 હજારથી વધુની ચોરી કરી ગયા હતા. વારંવાર ચોરીઓ થતાં વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ મુકેશભાઇ પટેલ, કમલેશ મહેતા, ગુણવંત ત્રિવેદી, મનીષભાઇ પટેલ, સરપંચ મનોજભાઇ પટેલ, બાબુભાઇ સગર, પુરણભાઇ મોરવાણી, સતીષભાઇ ખરાદી સહિત વેપારીઓએ પોલીસ તંત્રની ઢીલી નીતિ પ્રત્યે રોષ વ્યકત કર્યો હતો.

વેપારી મંડળે ગૃહરાજય મંત્રીને રજૂઆત કરી

ભિલોડામાંદિનપ્રતિદિન ચોરીનું પ્રમાણ વધતાં 10થી વધુ વેપારીઓ તથા અગ્રણીઓ રાજયના ગૃહ રાજયમંત્રી રજનીભાઇ પટેલને મંગળવારે રૂબરૂ મળી પોલીસ સ્ટાફની ભરતી કરી ઘટ પુરવા તથા ચોરીઓ અટકાવવા તંત્ર કડક હાથે પગલાં લે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.

{દુકાનનાં પતરાં ખોલીને તસ્કરો ~ 8 હજારની મત્તા ચોરી ગયા

ભિલોડામાં પોલીસ ચોકી પાસે આવેલી બે દુકાનો તૂટી

પડકાર | ચોરીની ઘટના ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ