તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચંદ્રોડાના રહીશના બાઇકની ડેકીમાંથી 50 હજાર ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીતાલુકાના ચંદ્રોડા ગામના રહીશ સોમવારે સવારે બેંક ઓફ બરોડામાંથી રૂ.50 હજાર ઉપાડી પોતાના બાઇકની સ્ટીલની ડેકીમાં મૂકી ખરીદી કરવાની હોઇ બજારમાં આવ્યા હતા. સવારે 11-30 વાગ્યાના અરસામાં તેઓ બસ સ્ટેન્ડ પાસે આવેલી ફરસાણની દુકાને બાઇક ઊભું રાખી ફરસાણની ખરીદી કરી હતી અને તે મૂકવા ડેકી ખોલતાં તેમાં મૂકેલા રૂ.50 હજાર ગાયબ હતા. આસપાસ તપાસ કરતાં એક છોકરો ડેકી ખોલીને પૈસા લઇને ભાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તાજેતરમાં ચંદ્રોડા ગામમાં થયેલી ધમાલના કારણે પોલીસથી ગભરાતા મહાશયે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે બસ સ્ટેન્ડ સામે આવેલા આદિત્ય કોમ્પલેક્ષમાં એક્ટીવાની ડેકીમાંથી એક છોકરો રૂ.50 હજાર ચોર ગયો હતો. જે સીસીટીવી કેમેરામાં જોવા પણ મળે છે. મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હોવા છતાં પોલીસે ફૂટેજ ચેક કરવાનું પણ મુનાસીબ માન્યું નથી. ત્યાં બીજી એક ઘટના બનતાં પોલીસની હાજરી અંગે સવાલો ઊભા થયા છે. બજારમાંથી ચોરી-ચીલઝડપનો સિલસિલો ચાલુ રહેવા છતાં બજારમાં એકપણ પોલીસ જોવા મળતી નથી, જેને લઇ વેપારીઓમાં પણ પોલીસની કામગીરી સામે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...