Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાન્ડુમાં વાડામાં ઘૂસી જંગલી જનાવરે ચાર ઘેટાં મારી નાંખ્યા
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની સીમમાં તળાવ પાસે પશુપાલકે વાડામાં બાંધેલા ઘેટાં ઉપર શુક્રવારે વહેલી સવારે જંગલી જનાવરે હુમલો કરતાં ચાર ઘેટાંનાં મોત થયાં હતાં, જ્યારે સાતને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે વન વિભાગે દોડી આવી પાંજરું મુકી તપાસ હાથ ધરી છે. જંગલી જનાવરમાં ઝરખ, વરૂ કે દીપડો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
ભાન્ડુ ગામની સીમમાં તળાવ પાસે મલઇપરૂ નામે ઓળખાતા વિસ્તારમાં રહેતા મહેશભાઇ દેવીપૂજકે વાડામાં ઘેટાં બાંધેલા હતા. શુક્રવારે વહેલી સવારે જંગલી જનાવરે હુમલો કરી ઘેટાંને ઇજાઓ પહોંચાડી હતી. જે અંગેની જાણ ગ્રામજનોને થતાં સરપંચ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડાહ્યાભાઇ ચાૈધરીને જાણ કરતાં વન વિભાગના તેજાભાઇ રબારી, રશ્મીકાબેન પટેલ સહિતનો સ્ટાફ ગામે પહોંચ્યો હતો. જેમાં તપાસ કરતાં ચાર ઘેટાનાં મોત થયાં હતાં, જ્યારે સાતને ઇજા પહોંચેલી હતી. જેથી વન વિભાગે જંગલી જનાવરની શોધખોળ હાથ ધરી પાંજરું મુકયું છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડાહ્યાભાઇ ચાૈધરીએ જણાવ્યું કે, ઘેટાં ભીની જમીન ઉપર પડ્યા હોવાથી ચોક્કસ અનુમાન મેળવી શકાયું નથી, પરંતુ જંગલી જાનવર વરૂ, દીપડો કે ઝરખ હોવાનું અનુમાન છે.
પંજાના નિશાન
વહેલી સવારે વાડામાં ત્રાટકેલા જંગલી પ્રાણીના હુમલાથી લોકોમાં ભયનો માહોલ, ઝરખ, વરૂ કે દીપડો હોવાનું અનુમાન
વિસનગર વન વિભાગે જનાવરને પકડવા પાંજરુ મૂક્યું
_photocaption_વિસનગરના ભાન્ડુની સીમમાં જંગલી જાનવરે વાડામાં ઘેટાઅો ઉપર હૂમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.*photocaption*
બહારની ઇજા હોઇ પ્રાણી હિંસક હોવાનું અનુમાન
મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરનાર જેતલવાસણા પશુચિકિત્સા અધિકારી કાૈશિકભાઇ પટેલે જણાવ્યું કે, મૃત પશુઓના ગરદન અને પગના પાછળના ભાગે મહોર માર્યા છે, તેનાથી કોઇ જંગલી હિંસક પ્રાણીએ હુમલો કર્યાનું કહી શકાય.