302ની ફરિયાદમાં સમાધાન કરી લે નહી તો તારા પપ્પા જેવી હાલત થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | છત્રાલમાં જીઆઇડીસી પાસે ગત જુન મહિનામાં કારખાનેદાર અશોકભાઇ પટેલની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. પિતાના મર્ડરની પુત્રએ ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન જામીન ઉપર છુટેલા આરોપીએ મૃતકના પુત્રને ફરિયાદમાં સમાધાન કરી લે નહી તો તારા પપ્પા જેવી હાલત થશે તેવી ધમકી આપ્યાની મૃતકના પુત્રએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારખાનેદાર અશોક પટેલના ખૂનની ફરિયાદ મૃતકના પુત્રે નોંધાવી હતી
કલોલ તાલુકાના છત્રાલના રહેવાસી અશોકભાઇ રણછોડભાઇ પટેલ તારીખ 24મી, જુન-2018ના રોજ છત્રાલ જીઆઇડીસી ફ્રેજ નંબર-1ના ગેટ પાસે ગાડી પાર્ક કરી નાસ્તો કરવા બેઠા હતા. દરમિયાન સાત જેટલા શખસોએ અશોકભાઇ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો.

ગંભીર રીતે ઘાયલ અશોકભાઇ પટેલનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યું હતું. સરાજાહેર મર્ડર થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. પિતાના મર્ડરને પગલે મૃતક અશોકભાઇના પુત્ર અંકિતે પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મર્ડરને પગલે બન્ને કોમના માણસો વચ્ચે ભારે તંગદીલીના પગલે પોલીસે સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવી હાલાત પર કાબુ મેળવ્યો હતો.

મર્ડરના આરોપીઓને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન મર્ડરનો મુખ્ય આરોપી કાલુમીયાને જામીન મળ્યા હતા. મૃતકના પુત્ર પોતાની માતા ગૌરીબેન તથા દાદી મણીબેન તેમજ ફુવા વિષ્ણુભાઇ અને ફોઇ કૈલાસબેન સાથે બા દિવસ પહેલા જમીનના દસ્તાવેજ માટે કલોલ મામલતદાર કચેરી આવ્યા હતા.

જ્યાં અંકિતભાઇ ગાડી પાર્ક કરી રોડ પસાર કરી રહ્યા હતા. ત્યારે કાલુમીયા ઉર્ફે મોહિનુરહક ફકીરમહમદ સૈયદ સહિતના લોકોએ તેમને ઉભા રાખી, તે અમારી સામે 302ની જે ફરિયાદ કરી છે તેમાં સમાધાન કરી લે નહી તો તારા પપ્પા જેવી હાલત થશે તેવી ધમકી આપતા અંકિતભાઇએ આ અંગે કલોલ શહેર પોલીસ મથકે કાલુમીયા ઉર્ફે મોહિનુરહક ફકિરમહમદ સૈયદ તેમજ અકરમ અનવરભાઇ સૈયદ, અસલ ઉર્ફે બળીયો મકબુલભાઇ સૈયદ, મહેબુબ ઉર્ફે મેબલો છતુમીયા મલેક અને જાકીરમીયા માલીમીયા સૈયદ સામે જાનથી મારી નાંખવાની ધમકીનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...