હારિજના કાઠી ગામના ખેતરોમાં નર્મદાનું પાણી ન પહોંચતાં ખેડૂતોએ કચેરી ગજવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજની રાજ્પુરા બ્રાન્ચ કેનાલમાંથી માત્રોટા ડિસ્ટ્રીબ્યુટરી માઈનોર કેનાલમાં આઠ દસ ગામોમાં પાણી જાય છે પણ કાઠીથી આગળના ત્રણ ચાર ગામમાં બિલકુલ પાણી નહીં પહોંચતાં કાઠી સહીત ત્રણ ગામનાં ૫૦ ઉપરાંત ખેડુતો ટ્રેક્ટર ભરીને ગુરૂવારે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને મામલતદાર જે.સી.ગરાસીયાને આવેદનપત્ર આપી રવિ પાક સુકાઇ રહ્યો છે ,જો પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજપુરા બ્રાન્ચમાંથી રાવીન્દ્રા, પીપલાણા,નાણા,જુનામાકા,કાઠી ,નવામાકા ,નાનાજોરાવરપુરા અને માત્રોટા ગામો સુધી ડિસ્ટ્રીબ્યુટરી માઇનોર કેનાલ બનાવવામાં આવેલ છે.શરૂઆતમાં પાણી છોડવામાં આવતાં કાઠી સુધી પાણી આવ્યા હતા.જેના કારણે ખેડૂતોએ ઘઉં,વરીયાળી,રાયડો, અને ઘાસચારો જેવા વાવેતર કરી રવિ પાકની આશા સેવી હતી. પણ પાછળથી એક માસ ઉપરાંતથી પાણી ગામના સીમ સુધી નહી પહોંચતા વાવેતર કરેલ રવિપાક સુકાવાનો વારો આવ્યો છે .ખેડૂતોને મોંઘા બીજવારા ખેડ ખાતરના ખર્ચા અને મહેનતનુ સદંતર નુકશાન જતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ગુરૂવારે કાઠી અને નવામાંકાના પૂ.સરપંચ માનસંગભાઇ ઠાકોર, ખેંગારજી અંબારામજી ઠાકોર, બાબુજી અમરાજી ઠાકોર, પ્રહલાદજી નારણજી ઠાકોર, વનાજી ભુરાજી ઠાકોર અને અન્ય ૫૦ ઉપરાંત ખેડૂતોએ બે દિવસમાં પાણી નહીં આવે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી હતી.

ખેડૂતોનો અાક્ષેપ :

ખેડૂતોઅે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આગળ કેનાલોમાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક મોટરો મૂકીને પાણી ખેંચી લેવાતું હોઇ છેવાડાના ગામ સુધી પાણી પહોંચતું નથી.નર્મદા વિભાગની અણઆવડતના કારણે કોઈ કોઈ જગ્યાએ કેનાલ ઓવરફ્લો થઇ જાય છે જ્યારે નાની કેનાલોમાં પાણી પહોંચતા નથી. દરેક ખેડૂતના ખેતરો સુધી પાણી મળી રહે તે માટેનું નક્કર આયોજન કરવા પણ રજૂઆત કરી છે.

પાણી નહી મળે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરવા અાવેદનપત્ર દ્વારા ચિમકી ઉચ્ચારી

અન્ય સમાચારો પણ છે...