તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી પાણીના માર્ગ બંધ કરી દેતાં ભાઉપુરા, કરણનગર રોડ વિસ્તારમાં પાણી ભરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી શહેરના વરસાદી પાણીનો વર્ષોથી બાલાપીર દરગાહથી નાનીકડી રંગપુરડા જવાના સરકારી નેળિયાના માર્ગે ખુલ્લા કાંસમાં નિકાલ થાય છે. પરંતુ બિલ્ડરે પુરાણ કરી તેની ઉપર રોડ બનાવી દેતાં શનિવારે પડેલા એક ઇંચ વરસાદમાં પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે અગાઉ નોટિસ આપીને ઊંઘી ગયેલી નગરપાલિકા સફાળી જાગી હતી અને પાણીના નિકાલમાં અવરોધરૂપ રસ્તાનું દબાણ દૂર કરી હાલ પૂરતો પાણીનો નિકાલ કરાયો હતો.

કડી શહેરના ભાઉપુરા, એપીએમસી અને કરણનગર રોડ વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ વર્ષોથી ભાઉપુરા કેનાલ મારફતે રેલવે ગરનાળામાં થઈ નાનીકડીથી રંગપુરડા જવાના માર્ગે સરકારી નેળિયામાં ખુલ્લા કાંસમાં થાય છે. તાજેતરમાં નાનીકડીની હદમાં મહાદેવ રેસીડેન્સીના બિલ્ડરે આ સરકારી નેળિયામાં માટીપુરાણ કરી રોડ બનાવી પાણીનો આવરો, ખુલ્લો કાંસ તેમજ નેળિયામાં આવતા ઓએનજીસીના ગરનાળા પણ બંધ કરી દીધા હતા. જે બાબતે પાલિકાએ નોટિસ આપ્યા બાદ કંઇ ઉકાળ્યું ન હતું. જેના પાપે શનિવારે વરસાદી પાણી ભરાતા પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ, ચીફ ઓફિસર નરેશ પટેલ, ચીફ સેનેટરી ઈન્સપેક્ટર કલ્પેશ આચાર્ય સહિતે મામલતદાર અને ટીડીઓને સાથે રાખી નાની કડીથી રંગપુરડા તરફ જવાના સરકારી નેળિયામા વરસાદી પાણીના નિકાલને અવરોધરૂપ રસ્તાનું દબાણ દૂર કરી પાણીનો નિકાલ કરાયો હતો.

જૂનો આવરો ખુલ્લો નહીં કરાય તો નુકસાન
વરસાદી પાણીનો જૂનો આવરો ખુલ્લો કરવામાં નહીં આવે તો વધુ વરસાદમાં ભાઉપુરા, એપીએમસી અને કરણનગર રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જાનમાલને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...