તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાનસરમાં PHC છતાં ડેન્ગ્યુના દર્દીઓને ડિંગુચા જવા પડતી ફરજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહકજન્ય રોગચાળાની ઝપેટમાં પાનસર ગામ આવી ગયું હોવા છતાં સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સારવાર કરાતી નથી. જેને પરિણામે દર્દીઓને ન છુટકે ડિન્ગુચાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જવાની ફરજ પડી છે. આથી સ્થાનિક પીએચસીમાં સારવાર કરવામાં આવે તેવી માંગ સાથે સરપંચે તાલુકા આરોગ્ય અધિકારીને રજુઆત કરી છે.

છેલ્લા બે માસથી ભેજયુક્ત અને વાદળછાયા વાતાવરણને પગલે વાહકજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. રોગચાળો બેકાબુ બનવા છતાં જિલ્લા ઓરોગ્ય તંત્રએ હજુ આળસને ખંખેરીની અસરકારક કામગીરી કરી રહ્યું નથી. જેમાં જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામની હાલત કફોડી બની રહી છે. પાનસરમાં હાલમાં વાહકજન્ય રોગચાળાને પગલે ડેન્ગ્યુ સહિતની બિમારીના ઘરે ઘરે ખાટલા છે. ગામના 22થી વધુ લોકો ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા છે. તેમ છતાં ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવતી નહી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં દર્દીઓને બાટલા ચડાવવામાં આવતા નથી. આથી દર્દીઓને ન છુટકે ડિન્ગુચાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જવું પડી રહ્યું હોવાનું પાનસર ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું છે. વાહકજન્ય રોગચાળો બેકાબું હોવા છતાં ફોગીંગ સહિતની કામગીરી પણ ગામમાં કરવામાં આવતી નથી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને ગામમાં ફોંગીગ કરવાનું જણાવવા છતાં કરાતું નથી. ડેન્ગ્યુ કેસ જ્યાંથી મળી આવ્યા છે તે વિસ્તારોમાં પણ ફોગીંગ કરાતું નહી હોવાનો આક્ષેપ ગામના સરપંચે કર્યો છે. પાનસરમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ગ્યુ સહિતના વાયરલ બિમારીની યોગ્ય સારવાર કરવામાં આવે તેવી માંગણી સાથે ગામના સરપંચે તાલુકા આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરી છે.ત્યારે આ બાબતે સત્વરે યોગ્ય આયોજન કરી આ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી પુરતી સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...