વાવની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ ત્રીજીવાર તૂટી, પાણી ફરી વળતાં પાકને નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-હાલાકી વધી | પાણીના વધારે આવરાથી માટીનું ધોવાણ થતાં કેનાલમાં ગાબડું પડ્યું
-100
એકર જમીનમાં કેનાલના પાણી ફરી વળતાં પાકને નુકસાન

વાવ: વાવ તાલુકાની નર્મદા કેનાલમાં પાણીનો વધુ પડતો આવરો આવતાં માટીનું ધોવાણ થવાથી ગાબડા પડવાનો પ્રશ્ન ઉદભવ્યો છે. જેમાં જોડીયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનું પ્રમાણ વધી જતાં અગાઉ 16 અને 17 નવેમ્બરે કેનાલ તુટ્યા બાદ એક જ ખેતરમાં મંગળવારે રાત્રે સતત ત્રીજી વખત ગાબડું પડ્યું હતું. જેના કારણે કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ઉભા પાકોને ભારે નુકસાન થવાની ભીિત સર્જાઇ છે.

વાવ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી નર્મદા કેનાલનું પાણી પહોંચતું ન હોઇ તંત્ર દ્વારા વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ દિવસ દરમિયાન કેનાલમાં ઓઇલ મશીનો ચાલુ હોઇ પાણીનો આવરો ઓછો રહે છે. પરંતુ રાત્રે મશીનો બંધ થતાં જ પાણીનું પ્રમાણ વધી જવાથી માટીનું ધોવાણ થતાં કેનાલમાં ગાબડું સર્જાતું હોય છે. મંગળવારે રાત્રે જોડીયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં નાગજીભાઇ માલાભાઇ રાજપૂતના ખેતરમાં સતત ત્રીજી વખત ગાબડું પડતાં કેનાલના પાણી અંદાજે 100 એકર જમીનમાં ફરી વળ્યા હતા. જેના પરિણામે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાનની દહેશત ઉદ્દભવી છે.

આ અંગે ખેતર માલિક નાગજીભાઇ માલાભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘આગળ સાયફનમાંથી પાણી કેનાલ તૂટી વધુ ન નિકળતાં કેનાલમાં પાણી ભરાઇ રહે છે અને માટીનું ધોવાણ થવાથી ગાબડું પડે છે તેમ છતાં તંત્ર દ્વારા રાત્રે પાણીની આવક ઘટાડાતી નથી. રાત્રે પાણીનું પ્રમાણ ઓછું કરીએ તો છેવાડના ગામ સુધી પાણી પહોંચતું નથી ‘કેનાલમાં દિવસ દરમિયાન ઓઇલ મશીનો ચાલુ હોય છે. જે રાત્રે બંધ થતાં પાણીનું પ્રમાણ વધી જવાથી કેનાલો તૂટે છે. જ્યારે રાત્રે પાણી ઓછું કરીએ તો છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું ન હોવાની ફરિયાદો ઉઠે છે.’ - બી.આર. ટેલર (નર્મદા વિભાગ થરાદના અધિકારી)

અધિકારીઓ એકબીજા ઉપર જવાબદારીઓ ઢોળે છે
‘કેનાલમાં પાણીનું પ્રમાણ વધતાં ઘટનાના પાંચ કલાક પહેલા નર્મદા વિભાગના અધિકારીને ફોન કરી જાણ કરી હતી પરંતુ તેઓએ અમારી જવાબદારી નથી અન્ય અધિકારીને ફોન કરવા જણાવ્યું હતું.’ - પીરાભાઇ ભીખાભાઇ વેણ (ખેડૂત, વાવ)

ક્ષમતા મુજબ પાણી છોડવા લખાણ કરાયું છે
‘કેનાલની ક્ષમતા પ્રમાણે કેનાલમાં છોડવા તેમજ રાત્રે પાણીની આવક ઘટાડવા પંચાયતના લેટરપેડ ઉપર લખાણ કરાયેલ છે. આ ઉપરાંત કેનાલની ઉંચાઇ વધારવા પણ જણાવાયું છે. તેમ છતાં રાત્રિના સમયે પાણીનું પ્રમાણ ઘટાડાતું નથી જેના કારણે આ પ્રશ્ન ઊભો થાય છે- કરશનભાઇ રાઠોડ (સરપંચ-વાવ)