ટ્રક-જીપની ધડાકાભેર ટક્કર, બે મુસાફરોનાં કમકમાટીભર્યા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટ્રકચાલકે જીપને ટક્કર મારતાં બે મુસાફરનાં મોત
- છ વ્યક્તિઓને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

પાલનપુર-ડીસા હાઇવે ઉપર બાદરપુરાના પાટીયા નજીક મંગળવારે સવારે ઉભેલી જીપને ટ્રકચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જીપમાં બેઠેલા બે મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે છ જણાને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીસાથી મુસાફરો ભરીને પાલનપુર તરફ આવી રહેલી જીપ નં.જીજે.૧૩.બી.- ૯૨૧૪ નો ચાલક બાદરપુરાના પાટીયા પાસે મુસાફરો ઉતારી રહ્યો હતો.

જ્યારે ડીસા તરફથી પુરઝડપે આવી રહેલી ટ્રક નં.જીજે.૯.વી.- ૬પ૭૩ ના ચાલકે જીપના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ્યારે એકનું પાલનપુર ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં છ વ્યક્તિઓને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. અને સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

ઇજાગ્રસ્તોના નામ

૧. ભાવીકભાઇ પ્રવિણભાઇ પરાડીયા (ઉ.વ.૧૭) રહે. ડીસા
૨. અમૃતભાઇ કરશનભાઇ ચૌહાણ (ઉ.વ.પપ) રહે.પાલનપુર
૩. જબુબેન પસાભાઇ નાયી (ઉ.વ.૪૦) રહે.ખેંટવા, તા.ડીસા
૪. પસાભાઇ જેમલભાઇ નાયી (ઉ.વ.૪પ) રહે.ખેંટવા, તા.ડીસા
પ. જગદીશભાઇ સરદારભાઇ ભીલ (ઉ.વ.૩પ) રહે.સોનગઢ,તા.પાલનપુર
૬. જીવીબેન મોહનભાઇ ભીલ (ઉ.વ.પ૦) રહે. સોનગઢ, તા.પાલનપુર

- ડીસા હાઇ-વે પર રીક્ષા પલ્ટી ખાતાં એકનું મોત

ડીસા હાઇ-વે પર રીલાયન્સ પેટ્રોલપંપ સામે સોમવારે મોડી રાત્રે રસ્તામાં ભૂંડ આડું આવતાં રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલકનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતની વિગત એવી છે કે ડીસાના નહેરૂનગર ટેકરા ખાતે રહેતો કરશનભાઇ કમશીભાઇ માજીરાણા પોતાની ઓટો રીક્ષા નંબર જી.જે.-૮-વી-૭૩૪પ લઇને આર.ટી.ઓ. ચાર રસ્તા તરફથી ગાયત્રી મંદિર તરફ આવી રહ્યો હતો તે દરમ્યાન રીલાયન્સ પેટ્રોલ પંપ સામે હાઇ-વે પર અચાનક ભૂંડ દોડતું રસ્તાપરથી પસાર થતાં ચાલકે રીક્ષા પરનો કાબુ ગુમાવતાં રીક્ષા ડીવાઇડર પર ચઢી જતાં પલ્ટી ખાઇ ગઇ હતી.

જેથી ચાલક કરશનભાઇને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મોડી રાત્રે નેશનલ હાઇ-વે ઓથોરીટીનો સ્ટાફ આવી જતાં પોલીસને જાણ કરી હાઇ-વે ઓથોરીટીની એમ્બ્યુલન્સમાં મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી જ્યાં સવારે પી.એમ. કર્યા બાદ લાશ વાલી વારસોને સુપ્રત કરાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે મૃતકના ભાઇ પ્રવિણભાઇ કમશીભાઇ માજીરાણાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.