પિલુચામાં બે મંદિર અને જૈન દૈરાસરમાંથી રૂ.2.33 લાખના આભૂષણો ચોરાતાં ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( વડગામના પિલુચા ગામમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ એક દેરાસર અને બે મંદિરોમાંથી રૂ. ૨.૩૩ લાખના આભૂષણો અને રોકડ રકમ ચોરી ગયા હતા.)
- એક જ રાતમાં બે ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યા

વડગામ: વડગામ તાલુકાના પીલુચા ગામે આવેલા એક જૈન દેરાસર અને બે મંદિરોને શુક્રવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાંથી રૂ. 2.33 લાખના ભગવાનના આભૂષણો તેમજ દાનપેટીની રકમની ચોરી થવા પામી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પિલુચા ગામમાં શુક્રવારે રાત્રે જૈનદેરાસરના તાળાં તોડી અંદરથી ભગવાનના આભૂષણો તેમજ રૂ. 3000 ભરેલી દાનપેટી ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત ખોડીયાર માતાજીના મંદિર તેમજ પિલુચાના પરા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાંથી એમ્પલીફાયર સહિતની ચીજવસ્તુઓ ચોરી ગયા હતા.

વહેલી સવારે ચોરીની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા અને ફફડાટ પ્રસરી ગયો હતો. દરમિયાન છાપી પીએસઆઇ વાય.એમ. બહેલીમ, સ્ટાફના બેચરભાઇ, દલપતસિંહ અને લક્ષ્મણસિંહ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે ડોગસ્કવોર્ડ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
દાનપેટી નદીમાં લઇ જઇને તોડી
જૈન દેરાસરમાંથી તસ્કરો દાનપેટીની ચોરી કરી સરસ્વતી નદીના પટમાં લઇ ગયા હતા. જ્યાં ત્રિકમથી દાનપેટી તોડી અંદરથી રોકડ રકમ લઇ ગયા હતા. ખાલી દાનપેટી નદીમાંથી જ મળી આવી હતી.

મંદિરમાંથી શું ચોરાયું
1. ખોડીયાર માતાનું મંદિર
- ચાંદીનું છત્તર 400 ગ્રામ, ચાંદીનો મુગટ રૂા. 9000
- રૂા. 500 રોકડા
2.ચામુંડા માતાનું મંદિર
- એમ્પ્લીફાયર રૂા. 10,00
- પ્રસાદ, 15 નંગ શ્રીફળ

3. જૈન દેરાસર
- ચાંદીના ત્રણ મુગટ રૂા. 36,000
- ભગવાનનો શણગાર રૂા. 50,000
- દાનપેટીમાંથી રૂા. 30,000