• Gujarati News
  • The Love Of Family, Marriage And Death Of Youth In Faintness Into

યુવકના મોતથી પરિવારની લગ્નની ખુશી ગમગીનીમાં ફેરવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ શહેરના આશાસ્પદ યુવકના આકસ્મિક મોતથી પરિવાર અને પંથકમાં આઘાતની લાગણી

થરાદ શહેરના પશુ દવાખાના નજીકના વિસ્તારમાં રહેતા યુવકનું અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે શનિવારની મોડી રાત્રે સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. એજ રાત્રે પરિવારના આંગણે જાન પણ આવેલી હોઇ લગ્નની ખુશીઓ ગમગીનીમાં પરિણમતા ભારે આઘાત અને શોકની લાગણી ફેલાઇ હતી.

થરાદ શહેરના પશુ દવાખાના નજીક રહેતો દશરથભાઇ રતનસીભાઇ પંડયા નામનો આશાસ્પદ યુવક શનિવારની રાત્રે જીજે-૮ વાય-૭૩૪૬ નંબરની રિક્ષામાં બેસી થરાદ તરફ આવી રહ્યો હતો. જેને અજાણ્યા વાહને અકસ્માત સર્જી ગંભીર રીતે ઘાયલ કરતાં સારવાર અર્થે થરાદથી ડીસા સરકારી દવાખાને ખસેડાયો હતો. બીજી બાજુ ઇજાગ્રસ્તના કાકાની પુત્રીના લગ્ન હોઇ શનિવારની રાત્રે જાન પણ આવેલી હોઇ ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ છવાયેલું હતું. આવા માહોલ વચ્ચે મોડી રાત્રે દશરથભાઇનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતાં પરિવારમાં આઘાત અને શોકની લાગણીઓ ફેલાવા પામી હતી. મૃતકના કાકા દિનેશભાઇ રાયચંદભાઇ પંડયા (રહે. પશુ દવાખાના નજીક)ની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.