• Gujarati News
  • The Amount Of A Customer Store Sagevage Rasana Assoc. President Of The Complaint Against

રાશનનો જથ્થો સગેવગે કરનાર ગ્રાહક ભંડાર એસો.ના પ્રમુખ સામે ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ગ્રાહક ભંડાર એસો.ના પ્રમુખ સહિ‌ત અન્ય બે સંચાલકોએ ગેરરિતી આચરી હતી

પાલનપુર ખાતે પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર એસોસીએશનના પ્રમુખ સહિ‌ત અન્ય બે સંચાલકો સામે અનાજ-કેરોસીનનો જથ્થો સગેવગે કરવાની બુધવારે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસનો દોર હાથ ધર્યો છે. પ્રમુખ સામેજ ફરિયાદ નોંધાતા સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં ચકચારી બનેલા પ્રકરણમાં તાજેતરમાં પાલનપુર પોલીસ હેડ કવાર્ટસની સસ્તા અનાજની દુકાન પાસેથી બિનઅધિકૃત રીતે અનાજનો જથ્થો ભરેલુ જીપડાલુ મળી આવ્યું હતું. જેની તપાસનો રેલો મલાણા સુધી પહોંચ્યો હતો. દરમિયાન પુરવઠા વિભાગની ટીમે પાલનપુરની સસ્તા અનાજની દુકાનોમાં પણ ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જે પૈકી ત્રણ દુકાનોમાંથી અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે ગ્રાહકભંડાર એસોસીએશનના પ્રમુખ અને જૂના ટેલીફોન એક્ષચેંજ નજીક ગ્રાહકભંડાર ધરાવતા પી.એન.જૈન (પારસમલ)ઉપરાંત પાલનપુર જીઆઇડીસીમાં દુકાન ધરાવતા એલ.એમ.પરમાર અને લક્ષ્મીપુરા - ૩ ખાતે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક એમ.આર.ખત્રી વિરૂદ્ધ પાલનપુર પુરવઠા નાયબ મામલતદાર બી.એમ.ખરાડીએ પૂર્વ અને પ‌શ્ચિ‌મ પોલીસ મથકે બુધવારે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯પપની કલમ ૩ નો ભંગ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકના ગ્રાહક ભંડાર એસો.ના પ્રમુખ સામે જ ફરિયાદ નોંધાતા જિલ્લામાં રેશનીંગ દુકાન ધરાવતા સંચાલકો ફફડી ગયા છે.

કોને કેટલો જથ્થો સગેવગે કર્યો

૧. પી.એન.જૈનએ ૧૧૬ રેશનકાર્ડ ધારકોના નામે બીલો બનાવ્યા હતા
જથ્થો કિવ.
ઘઉં ૪૧
ચોખા ૦૮
મકાઇ ૦૩
ખાંડ ૦૨
કેરોસીન ૬૭૭૩ લીટર

૨. એમ.આર.ખત્રીએ પ૬ રેશનકાર્ડ ધારકોના બીલો બનાવ્યા હતા. જેમાં નામ ડબલ હતા
જથ્થો કિવ.
ઘઉં ૭૮
ચોખા ૩૨
ખાંડ ૦૭
મકાઇ ૦૦
કેરોસીન ૧૨૯૬ લીટર
પામોલીન ૧૬૩ પાઉચ

૩. એલ.એમ.પરમારે પ૬ રેશનકાર્ડ ધારકોના બીલો બનાવ્યા હતા. જે જથ્થો ગ્રાહકોને મળ્યો ન હતો : ઘઉં ૧૬ ક્વિટલ, કેરોસીન ૧૩૮૬ લીટર