ડીસાની કિશોરીને ગોંધી રાખી બળાત્કાર ગુજારતાં ચકચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા ખાતે કિશોરીના સગા જોઇ જતાં મૂકીને યુવક ભાગ્યો
ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષિય કિશોરીને આ જ વિસ્તારનો નરાધમ યુવક ધાક ધમકી આપી રાતભર ગોંધી રાખી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે કિશોરીને થરા લઇ જતાં તેણીના સગા જોઇ જતાં યુવક તેણીને મૂકી નાસી છુટ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે કિશોરીની આપવીતી સાંભળી હવસખોર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
ડીસા શહેરના વાડી વિસ્તારમાં નહેરૂનગર ટેકરા ખાતે રહેતો રમેશજી તરસંગજી ઠાકોરે પાંચેક દિવસ અગાઉ રાત્રે નવેક કલાકે રોડ ઉપર ઉભો હતો ત્યારે આ વિસ્તારની શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષની કિશોરી પોતાના ઘરે જઇ રહી હતી ત્યારે રમેશે તેણીને પકડી માર મારવાની ધમકી આપી અંધારાનો લાભ લઇ નજીકમાં અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં તેણીને ગોંધી રાખી રાત્રિ દરમિયાન બે વખત તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
હવસખોરે કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કિશોરી ડરી ગઇ હતી. ત્યારબાદ બીજા દિવસે રમેશ ઠાકોર વધુ દુષ્કર્મ કરવાના ઇરાદાથી તેણીને ભીલડી અને થરા લઇ ગયો હતો. જો કે, કિશોરીને થરા ખાતે તેણીના કોઇ સગા જોઇ જતાં રમેશ ઠાકોર તેણીને મૂકી નાસી છુટ્યો હતો. ત્યારબાદ કિશોરીને ડીસા લાવી પરિવારજનોને સોંપાતાં કિશોરીએ સંપૂર્ણ આપવીતી જણાવતાં પરિવારજનો દ્વારા પોલીસ મથકે લવાઇ હતી.
જે અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે કિશોરીની આપવીતી સાંભળી રમેશજી તરસંગજી ઠાકોર સામે અપહરણ, ધાક ધમકી અને બળાત્કાર અંગેનો ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. જે.ડી.સુતરીયા ચલાવી રહ્યા છે.