વેંસા ગામના નિવૃત શિક્ષકના ખાતામાંથી ૨૩ હજાર ઉપડી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એ.ટી.એમ. કાર્ડના વેરીફિકેશનના બહાને છેતરપિંડી કરી

પાલનપુર: મોબાઇલ ફોન ઉપર એટીએમ વેરીફીકેશનની માહિ‌તીના બહાને પાસવર્ડ જાણી અજાણ્યા શખ્સે વડગામ તાલુકાના વેંસા ગામના નિવૃત શિક્ષકના બેંકના બે ખાતામાંથી રૂા. ૨૩ હજાર ઉપાડી લીધા હતા. આ અંગે તેમણે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

કોઇપણ અજાણી વ્યક્તિ એટીએમ, બેંક એકાઉન્ટ સબંધી માહિ‌તી માંગે તો ન આપવા માટે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં કેટલાક વ્યક્તિઓ આવી માહિ‌તી આપી અજાણ્યા શખ્સો દ્વારા થતી છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે. જેમાં વડગામના વેંસા ગામના નિવૃત શિક્ષક સાથે છેંતરપીંડી થતાં તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેની વિગતો એવી છે વેંસાના નિવૃત શિક્ષક દાનાભાઇ ખેમાભાઇ પરમાર (ઉ.વ.૬૪) ગુરૂવાર-શુક્રવારે પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં રહેતા તેમના મોટાભાઇને ત્યાં આવ્યા હતા.

જ્યાં ગુરૂવારે સાંજે ૭:૩૦ કલાકે તેમના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા શખ્સે ૯૧૭૭૦૮૪૯૦૮૮૦ નંબર ઉપરથી ફોન કર્યો હતો અને એસ.બી.આઇ. એ.ટી.એમ. માંથી દિપક શર્માની ઓળખાણ આપી દાનાભાઇ પાસેથી તેમના એ.ટી.એમ. ના વેરીફીકેશન માટે પાસવર્ડ એકાઉન્ટનંબરની માહિ‌તી લીધી હતી. જે બાદ તેમના એસ.બી.આઇ. ના એકાઉન્ટ માંથી રૂા. ૧૯૦૨૦ જ્યારે બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂા. ૪૦૨૦ મળી કુલ રૂા. ૨૩૦૪૦ ની રકમ ઉપાડવામાં આવી હોવાનો મેસેજ જોવા મળ્યો હતો. આથી પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતાં દાનાભાઇએ પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

માહિ‌તી લીધા બાદ ફોન સ્વિચ ઓફ કરવાનું જણાવ્યું હતું
દાનાભાઇ પરમાર પાસેથી એ.ટી.એમ. કાર્ડ, પાસવર્ડ સબંધીત માહિ‌તી લીધા બાદ અજાણ્યા શખ્સે ફોન સ્વિચ ઓફ કરવાનું કહેતા દાનાભાઇએ પોતાનો ફોન બંધ કર્યો હતો. જોકે, શંકા જતાં ફોન પુન: ચાલુ કરતાં તેમના બેંકના બે ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોવાનો મેસેજ જોવા મળ્યો હતો.