તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધરાત્રે પથ્થરમારો કરી તસ્કરોએ દેકારો મચાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલનપુરની બાલાજી બંગ્લોઝ સોસાયટીના રહીશોમાં ફફડાટ
- પૂર્વ પોલીસ મથકના કર્મચારીએ ઉદ્ધત જવાબો આપ્યાના આક્ષેપ


પાલનપુર-ડીસા હાઇવે નજીક આવેલી બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં મંગળવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ સ્થાનિક રહીશો ઉપર પથ્થરમારો કરતાં દેકારો મચી જવા પામ્યો હતો. જો કે, પોલીસ આવે તે પહેલાં છ જેટલા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાક્રમને પગલે રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

પાલનપુર-ડીસા હાઇવે નજીક બાલાજી બંગ્લોઝ સોસાયટી આવેલી છે. જ્યાં ૪પ મકાનોમાં રહેતા રહીશો મંગળવારે મધરાત્રે મીઠી નિંદર માણી રહ્યા હતા. ત્યારે છ જેટલા શખ્સો સોસાયટીના છેવાડાના મકાન આગળ ચોરી કરવાના ઇરાદે આવી ચઢ્યા હતા. જો કે એક મહિ‌લા તેમને જોઇ ગયા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. આથી તમામે ચોર...ચોર... ની બૂમો પાડતાં આજુબાજુના રહીશો પણ જાગી ગયા હતા અને મકાનની બહાર નિકળી અજાણ્યા શખ્સો તરફ ગયા હતા તે સમયે આ શખ્સોએ તેમની પાસે રહેલા પથ્થરોનો મારો ચલાવતાં રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી. જે

દરમિયાન જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરાતાં લગભગ અડધો કલાક બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ અજાણ્યા શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાજી બંગ્લોઝ સોસાયટી હાઇવેથી નજીક આવેલી છે. જેની પાછળના ભાગે ખુલ્લી જમીન પડેલી હોવાથી તસ્કરો નાસી છૂટવામાં સફળ રહે છે. ત્યારે રાત્રે પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવું રહીશો ઇચ્છી રહ્યા છે. દરમિયાન મંગળવાર રાત્રિની ઘટનાથી સ્થાનિક રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

- અવાર-નવાર ચોરીના ઇરાદે તસ્કરો આવે છે

'ડીસા હાઇવે પર આવેલી બાલાજી બંગ્લોઝમાં અવાર-નવાર તસ્કરો ચોરી કરવાના ઇરાદે આવે છે. જ્યાં મંગળવારે રાત્રિની ઘટનામાં પોલીસ સમક્ષ રજૂઆત કરતાં રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવવાની ખાત્રી અપાઇ છે.’: શિવકુમાર ઠક્કર (સ્થાનિક રહીશ, પાલનપુર)

- પોલીસ કર્મીએ ઉદ્ધત જવાબ આપ્યો

'શહેરની બાલાજી બંગ્લોઝમાં રાત્રે ૨ વાગ્યાના સુમારે છ શખ્સો ચોરીના ઇરાદે આવી રહીશો ઉપર પથ્થરમારો કર્યો હતો. જેથી અમે પોલીસ સ્ટેશનના ટેલીફોન નં. ૨પ૨૪૩૩ ઉપર ફોન કરતાં ફરજ પરના કર્મચારીએ ઉદ્ધત જવાબ આપ્યો હતો.’ : તૃપ્તીબેન દવે (સ્થાનિક રહીશ, પાલનપુર)

- પથ્થરમારામાં સ્કૂટર અને કુંડાને નુકસાન

બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સોએ સ્થાનિક રહીશો ઉપર પથ્થરમારો કર્યો હતો. જો કે તેમાં કોઇ વ્યક્તિને ઇજા થવા પામી ન હતી. પરંતુ પથ્થર વાગતાં એક સ્કૂટરની હેડલાઇટ તૂટી ગઇ હતી તેમજ એક મકાનની ઓસરીમાં માટીનું કુંડુ પણ તૂટી ગયું હતું.

- પોલીસકર્મી સામે કાર્યવાહી થશે

'બાલાજી બંગ્લોઝ સોસાયટી પ‌શ્ચિ‌મ પોલીસ મથકની હદમાં આવે છે. જો કે ફોન ઉપર ઉદ્ધત જવાબ આપવાના આક્ષેપોના મુદ્દે તપાસ કરી પોલીસ કર્મચારી સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.’ : આર.બી. દેસાઇ (પી.આઇ. પૂર્વ પોલીસ મથક, પાલનપુર)

- પંદર દિવસ અગાઉ બાઇકની ઉઠાંતરી થઇ હતી

બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ જોષીના મકાનની ઓસરીમાં પાર્ક કરેલા મોટર સાયકલની ૧પ દિવસ અગાઉ જ અજાણ્યા ઇસમો ઉઠાંતરી કરી ગયા હતા. આ અંગે પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.